ઈન્દ્રપુરી વોર્ડમાં આવેલા રાવના વંડા તેમજ મનજી ભીલની ચાલી, મણિલાલ મુખીની ચાલી અને નીતિનગર, બહુચરનગર, ભવાની નગરથી લઈ પ્રગતિ નગર સહિતના અનેક વિસ્તારોમાં પીવાનું પાણી પૂરતા પ્રેશરથી મળી રહ્યું નથી. એટલું જ નહીં પીવાના પાણીનો સમય સવારે 6 થી 8 વાગ્યા સુધીનો છે પરંતુ શરૂઆતની 35 થી 40 મિનિટ સુધી પ્રદૂષિત અને દુર્ગંધ મારતું પાણી આવે છે, જેનો કોઈ જ ઉપયોગ કરી શકાય તેમ નથી. જેથી તેને જવા દેવું પડે છે. આ પછી પણ પાણી પુરતા પ્રેશરથી મળતું નથી અને 7.45 સુધીમાં બંધ પણ થઈ જાય છે. જેના કારણે લોકો ઘરમાં પુરતું પાણી મળી રહ્યું નથી તેવી ફરિયાદ ઊઠી છે.
આ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે, ભાઈપુરા-હાટકેશ્વર અને ઈન્દ્રપુરી વોર્ડની બોર્ડર પર આવેલા મહાવીરનગર-ભવાનીનગર જળવિતરણ કેન્દ્રની નજીકમાં જ વિશાળ દસ લાખ લિટર પાણીની ટાંકીની સાથે ભૂર્ગભ ટાંકી આવેલી છે. જેમાંથી આસપાસના વિસ્તારોમાં જળવિતરણ થાય છે, પરંતુ પૂરતા પ્રેશરથી પાણી મળી રહ્યું નથી. લોકોએ પીવાના પાણીના જગ મંગાવવા પડી રહ્યા છે. આ માટે અમે ઓનલાઈન ફરિયાદ કરીએ તો પણ પાણી અપૂરતા પ્રેશર થી જ આવી રહ્યું છે. જ્યારે પ્રદૂષિત પાણી અંગે ફરિયાદ કરવામાં આવે ત્યારે અધિકારીઓ ચકાસણી કરવા માટે 7 વાગ્યા પછી આવે છે જેથી પ્રદૂષિત પાણી બંધ થઈ ગયું હોય છે. આથી તેઓ ફરિયાદને ગણકારતા નથી અને તપાસ કર્યા વગર જ બંધ કરી દેવામાં આવે છે. આ કારણે લોકોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે.










