અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલા પ્રસિદ્ધ ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણના મનોહર રૂપના દર્શન કરવા અને જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. ભક્તિમય માહોલ અને 'હરે કૃષ્ણા' મહામંત્રના જાપથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઊઠ્યું છે.
હજારોની સંખ્યામાં ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન
જન્માષ્ટમી પર્વ પ્રસંગે દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓ માટે ઇસ્કોન મંદિર તંત્ર દ્વારા વિશાળ ધોરણે મહાપ્રસાદનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો માટે અવનવી, સાત્વિક અને સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવામાં આવી રહી છે. મંદિરે આવતા તમામ શ્રદ્ધાળુઓને સુચારુ રીતે અને સન્માનપૂર્વક મહાપ્રસાદ ગ્રહણ કરાવી શકાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
