દિવાળીના તહેવારો દરમિયાન બજારમાં મીઠાઈઓની માંગ અને વેચાણ મોટા પ્રમાણમાં વધી જતું હોય છે. નાગરિકોના આરોગ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ ડ્રાઈવ દરમિયાન અમદાવાદના કાલુપુર જૂના ઓક્ટ્રોય નાકા પાસે આવેલા વિસ્તારમાંથી અખાદ્ય વરખનું વેચાણ થતું હોવાની બાતમી મળતા AMC ની ટીમે 'ડમી ગ્રાહક' (Dummy Customer) મોકલીને 'એચ.એમ. વરખવાલા' નામની દુકાનમાં સફળ રેડ પાડી હતી.

મીઠાઈના વેપારીઓને થતો હતો વરખનો સપ્લાય

તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે કે આ દુકાનમાંથી શહેરમાં મીઠાઈનું વેચાણ કરતા વેપારીઓને ચાંદીના વરખનો જથ્થો સપ્લાય કરવામાં આવતો હતો, જેનો ઉપયોગ મીઠાઈઓને સજાવવા માટે થતો હતો. ફૂડ વિભાગની ટીમે સ્થળ પર તપાસ કરીને અખાદ્ય ચાંદીના વરખના કુલ 170 શંકાસ્પદ પેકેટ જપ્ત કર્યા છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા વરખના સેમ્પલ (નમૂના) મેળવીને તેને પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે આ એકમને સીલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Action taken by AMC Food Department in Kalupur, Ahmedabad

દુકાન માલિકનો બચાવ અને દાવો

આ સમગ્ર કાર્યવાહી દરમિયાન દુકાન માલિક દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ વરખનો ઉપયોગ માત્ર ડેકોરેશન (સજાવટ) અને પેઇન્ટિંગ માટે જ વેચવામાં આવે છે, અને તેઓ મીઠાઈમાં તેનો ઉપયોગ કરવાની કોઈ સલાહ કે ભલામણ આપતા નથી. જો કે, તહેવારોની મોસમમાં નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને AMC તંત્ર દ્વારા ગેરકાયદેસર અને અખાદ્ય પદાર્થો વેચનારાઓ સામે ઝુંબેશ વધુ કડક કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો