અમદાવાદના પ્રખ્યાત કાંકરિયા લેકફ્રન્ટ પર આવવા માગતા નાગરિકો અને પર્યટકો માટે અત્યંત ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. વડોદરાના હરણીકાંડ બાદ સુરક્ષાના કારણોસર કાંકરિયા પરિસરમાં છેલ્લા બે વર્ષથી બોટિંગ સેવા સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી હતી.

હવે રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા (SOP) ના આધારે કાંકરિયામાં આવતીકાલથી ફરીથી બોટિંગ સુવિધા શરૂ કરવામાં આવશે, જેનાથી મુલાકાતીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

સુરક્ષા અને વીમાના કડક નિયમો સાથે 20 બોટ કાર્યરત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણય અનુસાર, કાંકરિયા પરિસરમાં કુલ 20 બોટ કાર્યરત કરવામાં આવશે, જેમાં 19 રેગ્યુલર બોટ અને મુલાકાતીઓની સલામતી માટે 2 સ્પીડ બોટને રેસ્ક્યુ બોટ તરીકે તૈનાત કરવામાં આવશે.

મુલાકાતીઓની સુરક્ષા સર્વોપરી રહે તે માટે બોટમાં બેસનાર પ્રત્યેક વ્યક્તિનો 10 લાખ રૂપિયાનો વ્યક્તિગત વીમો ફરજિયાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લાઇફ જેકેટ, ઘટનાસ્થળે એમ્બ્યુલન્સની હાજરી અને સમગ્ર વિસ્તારમાં 24 અત્યાધુનિક CCTV કેમેરા દ્વારા બાજ નજર રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Kankaria boating resumes in Ahmedabad

વિવિધ બોટના ટિકિટ દર અને વિશેષ આકર્ષણો

નાગરિકો માટે બોટિંગના અલગ-અલગ પ્રકાર મુજબ ટિકિટના દરો પણ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં, સ્પીડ બોટ અને પોન્ટૂન બોટ: 160 રૂપિયા પ્રતિ વ્યક્તિ, શિકારા બોટ અને જીપ્સી બોટ: 150 રૂપિયા પ્રતિ વ્યક્તિ, પેડલ બોટ: 60 રૂપિયા પ્રતિ વ્યક્તિ.

આ ઉપરાંત, સંચાલકોએ પ્રત્યેક ટિકિટના વેચાણમાંથી 15 ટકા નફાની રકમ AMC ને ચૂકવવાની રહેશે. બોટિંગની સાથેસાથે કાંકરિયામાં મુલાકાતીઓ માટે 'ફ્લોટિંગ કેફે' (Floating Cafe) પણ શરૂ કરવામાં આવશે, જે પ્રવાસીઓ માટે વધારાનું આકર્ષણ બનશે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો