અમદાવાદની પ્લેન ક્રેશની ગોઝરી દુર્ઘટનાના 10માં દિવસે રવિવારે સવારે ન્યુ મણિનગરમાં વૈકુંઠ દર્શન સોસાયટીમાં રહેતા કૃન પરિવારને તેમના એકના એક દીકરા લોરેન્સ ડેનિયલ કૃનનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. બે દિવસ પહેલા અપાયેલું માતાનું ડીએનએ મેચ થયું હતું. બપોરે 12 કલાકે નીકળેલી અંતિમયાત્રામાં બહેન અને માતાએ કાંધ આપી હતી. આવા ભાવુક દૃશ્યો જોઇને ઉપસ્થિત સૌકોઇની આંખો ભીની થઇ ગઇ હતી. કેલિકો મીલ વિસ્તારમાં તેમના મૃતદેહને વિધિપૂર્વક દફનાવાયો હતો.
પરિવારનો એકનો એક દિકરો લોરેન્સ કમાવવા માટે દોઢેક વર્ષ પહેલા લંડન ગયો હતો. ગત તા. 29 મેના રોજ પિતાનું બીમારીમાં મોત થતા તેમના અંતિમ દર્શન માટે તે અમદાવાદ આવ્યો હતો. અને ગત તા. 12 જૂને એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટમાં તે પરત લંડન જવા નીકળ્યો હતો. અને દુર્ઘટનામાં તેનું મોત થયું હતું. પરિવારમાં પિતા અને દીકરો ન રહ્યા ! હવે માતા રવીના, બહેન રીનલ અને લોરેન્સની વિધવા આયુષી આ ત્રણ સભ્યો જ રહ્યા છે. જેમના માથે આભ તૂટી પડવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.










