મોટેભાગે તંત્ર દ્વારા જર્જરિત મકાન ઉતરવા માટે નોટિસ આપીને હાશકારો અનુભવી લેવામાં આવે છે. જ્યારે પૂર્વ વિસ્તારમાં અમરાઈવાડીમાં આવેલા સંત વિનોબાનગર મ્યુનિ. ક્વાટર્સને રિડેવલપમેન્ટ કરવા માટે સ્થાનિકો દ્વારા મંજૂરી આપવામાં આવી હોવા છતાં કામગીરી ન કરવામાં આવતાં વરસાદ વચ્ચે 5 હજારથી વધુ સ્થાનિકોના જીવ જોખમમાં મુકાયા છે. રિડેવલપમેન્ટ માટે એસ્ટેટ વિભાગ દ્વારા મે મહિનામાં માત્ર 7 દિવસમાં ક્વાટર્સ ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી, પરંતુ હજી સુધી કામગીરી શરૂ કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે.


સ્થાનિકોએ જણાવ્યું કે, 62 વર્ષ જૂના અમરાઈવાડીમાં આવેલા સુખરામનગર સંત વિનોબાનગર મ્યુનિ. ક્વાટર્સને રિડેવલપમેન્ટ કરવા સ્થાનિકોની કમિટી દ્વારા સંમતીપત્રક નોટરાઇઝ કરાવવામાં આવી છે. જે મ્યુનિ. કમિશનર સાહેબ તથા એસ્ટેટ વિભાગને સોંપવામાં આવી છે. મ્યુનિ. ક્વાટર્સને 8 મેના રોજ આગામી 7 દિવસમાં ખાલી કરવાની ઈલે. વોર્ડ-39 (અમરાઈવાડી) એસ્ટેટ અને નગર વિકાસ ખાતું, અ.મ્યુ.કો. પૂર્વઝોન દ્વારા નોટિસ અપાઈ હતી. આ પછી બાદ કમિટી દ્વારા મેયર, ડે. કમિશનર-પૂર્વઝોન, ડે. સીટી એન્જિનિયર તથા એસ્ટેટ અધિકારીને રિડેવલપમેન્ટ માટેની અરજી આપવામાં આવી હતી. ત્યારબાદ રિડેવલપમેન્ટ માટે રહેવાસીઓની 20 જેટલી માંગણીઓ સાથેનો વિનંતી - મંજૂરી અરજીપત્ર પણ અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક 60 ટકા કરતાં વધુ રહેવાસીઓની રિડેવલપમેન્ટ માટે સંમતી આપી છે, જ્યારે બીજી તરફ ચોમાસાનું આગમન થઈ ગયું છે અને મકાનો ખૂબ જ જર્જરિત સ્થિતિમાં હોવાના કારણે અકસ્માત થવાનો પણ ભય રહેલો છે. આ સ્થિતિમાં 17 બ્લોકમાં 440 જેટલા મકાનોમાં 5 હજારથી વધુ લોકો રહે છે અને તેમના જીવ જોખમમાં મુકાયા છે. જેથી તંત્ર તાકીદે કામગીરી શરૂ કરે તેવી રજૂઆત કરવામાં આવી છે.


  • Follow us on: