વિવિધ વિસ્તારોમાં પાણીની સમસ્યાના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે ઉત્તર ઝોનમાં આવેલા કુબેરનગરના એફ વોર્ડમાં વિવિધ વિસ્તારોમાં છેલ્લા દિવસથી ગટરો ભરાયેલી છે. જેના કારણે લોકોને પીવાનું પાણી પણ પ્રદૂષિત મળી રહ્યું હોવાની ફરિયાદ સામે આવી રહી છે. આ માટે કોઈ પણ અધિકારીઓ ધ્યાન ન આપતા હોવાના કારણે છેલ્લા થોડાં જ દિવસોમાં 20 થી 25 ઝાડા ઉલ્ટી અને કમળાના કેસ નોંધાયેલા છે. આ પછી પણ હેલ્થ વિભાગની ટીમ દ્વારા કોઈ પણ તપાસની કામગીરી કરવામાં ન આવી હોવાનો સ્થાનિકોનો આરોપ રહેલો છે. એટલું જ નહીં મોટી સંખ્યમાં નાના બાળકો પ્રદૂષિત પાણી પીવાના કારણે બીમાર થઈ રહ્યા છે જેના કારણે આખરે કંટાળીને સ્થાનિકોએ અધિકારીઓનો ઘેરવો કર્યો હતો અને 24 કલાકમાં કામગીરી કરવા માટેની રજુઆત કરી છે.


આ અંગેની ફરિયાદ કરતાં સ્થાનિક મહિલા આગેવાને જણાવ્યું કે, છેલ્લા 15 દિવસથી ગટરની સમસ્યા સામે આવી રહી છે. અહીંના એફ વોર્ડમાં આવેલી વિવિધ ચાલીઓ અને સોસાયટીઓમાં ગટરો ઉભરાઈ જવાના કારણે પાણીની લાઈન પ્રદૂષિત થઈ રહી છે. આ કારણે લોકો પ્રદૂષિત પાણી પીવા માટે મજબૂર બની રહ્યા છે. આ માટે અવરનવર રજુઆતો કરવામાં આવી પણ કોઈ અધિકારી જોવા માટે પણ આવ્યું ન હતું. એટલું જ નહીં હાલમાં પ્રદૂષિત પાણી પીવાના કારણે મોચી વાડો, મોટવાણી ગલી, શાસ્ત્રી ચોક સહિતના વિસ્તારોમાં 10 થી 15 હજાર લોકો પ્રદૂષિત પાણી પીવા મજબૂર બની રહ્યા છે. જેમાં પણ નાના બાળકોમાં બીમારીનું પ્રમાણ વધ્યું છે છતાં કોઈ પણ હેલ્થ વિભાગની ટીમ તપાસ માટે આવી રહી નથી. જેથી આજે પોલીસને જાણ કરીને અધિકારીઓનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને પ્રદૂષિત પાણી અંગે વાકેફ કરવામાં આવ્યા હતા. જેના બાદ થોડાં જ દિવસોમાં કામગીરી કરાશે તેવી અધિકારીઓએ બાંહેધરી આપી હતી.


  • Follow us on: