જુહાપુરામાં ઇલેકટ્રોનિક્સ શોરૂમના પત્તરાના ખિલ્લા કાઢી નાંખીને તસ્કરોએ 20 લાખ રૂપિયાની મત્તા ચોરી કર્યાનું સામે આવ્યુ છે. આટલુ જ નહીં, દુકાનમાં વકફ કમિટીની દાનપેટીમાં મૂકેલા રૂપિયા પણ તસ્કરો ચોરીને લઇ ગયા છે. આ અંગે દુકાન માલિકે વેજલપુર પોલીસ સ્ટેશનમાં તસ્કરો વિરૂદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.


જુહાપુરામાં ગુલપોસ પાર્ક સોસાયટીમાં રહેતા અસ્લમ પરમાર ગુજરાત ફ્રિજના નામથી ઇલેકટ્રોનિક્સ ચીજવસ્તુઓ વેચવાનો ધંધો કરે છે. આ અસ્લમના શોરૂમમાં મહિલા સહિત 14 જેટલા કર્મચારીઓ નોકરી કરે છે. શનિવારે સાંજે અસ્લમ પરમાર કામ અર્થે નરોડા ગયો હતો અને તેનો પરત આવતા મોડું થાય તેમ હોવાથી તેના ભાઇ એઝાજ પરમારે શોરૂમ બંધ કર્યો હતો. કર્મચારી નફીસ ચાવી લઇને અસ્લમના ઘરે આપી પણ આવ્યો હતો. અસ્લમ રવિવારે સવારે શોરૂમ ખોલીને કર્મચારીઓ પાસે સાફસફાઇ કરાવી રહ્યો હતો ત્યારે જાણ થઇ કે, વકફ કમિટીની દાનની પેટી તૂટેલી છે અને તમામ રૂપિયા ગાયબ છે. આ બાદ અસ્લમે તાત્કાલિક કેશ કાઉન્ટર ખોલીને ચેક કરતા ત્યાં 20 લાખ રૂપિયા ગાયબ હોવાથી પોલીસને જાણ કરી હતી. અસ્લમે સીસીટીવી કેમેરા ચેક કરતા જાણ થઇ કે, મોડીરાત્રે એક ચોર છત પરથી શોરૂમમાં ઉતર્યો અને ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. આ અંગે અસ્લમે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.


  • Follow us on: