અમદાવાદના મોટેરા વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સિનિયર સિટીઝન વૃદ્ધ દંપતીનો અંદાજે રૂપિયા 60 લાખની કિંમતનો ફ્લેટ કેટલાક ભાડુઆતો દ્વારા બળજબરીપૂર્વક પચાવી પાડવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ફ્લેટ ભાડે રાખ્યા બાદ 11 મહિનાના કરારની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં ભાડુઆતોએ મકાન ખાલી કર્યું ન હતું. એટલું જ નહીં, એપ્રિલ 2024થી ભાડું ચૂકવવાનું પણ સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું, જેના કારણે વૃદ્ધ દંપતીનું કુલ રૂપિયા 5.85 લાખ જેટલું માતબર ભાડું બાકી નીકળતું હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે.
'પગ તોડી નાખવાની' અને ખોટી ફરિયાદો કરવાની ધમકી
ફ્લેટ ખાલી કરવા બાબતે જ્યારે વૃદ્ધ દંપતીએ અને તેમના વકીલે કાયદેસરની નોટિસ આપીને માલિકી હક મુજબ મકાન ખાલી કરવાનું કહ્યું, ત્યારે આરોપીઓએ ફ્લેટ ખાલી કરવાના બદલે ઉલટાનું દંપતીને જાનથી મારી નાખવાની, પગ તોડી નાખવાની અને આબરૂ આબરૂ ડૂબાડીને ખોટી ફોજદારી ફરિયાદોમાં ફસાવી દેવાની ભયાનક ધમકીઓ આપી હતી. આટલું જ પૂરતું ન હોય તેમ, ભાડુઆતોએ ઘરની અંદર રહેલા કિંમતી ફર્નિચર અને અન્ય ચીજવસ્તુઓને ભારે તોડફોડ કરીને અંદાજે રૂપિયા 4.68 લાખનું આર્થિક નુકસાન પણ પહોંચાડ્યું હતું.
