અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. સમગ્ર રાજ્યમાં અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી હોવા છતાં, AMCના સત્તાધીશો દ્વારા સંજીવની-ડ્રાઇવ ઇન રોડ ખોદીને લાઇન નાખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ચોમાસાની શરૂઆત પહેલાં જે કામગીરી પૂર્ણ કરી દેવાની જરૂર હતી, તે કામ હવે વચગાળાના ચોમાસે શરૂ કરાતાં નાગરિકો તંત્રની બુદ્ધિમત્તા સામે સવાલો ઉઠાવી રહ્યા છે.

રોડ બ્લોક કરાતા વાહનચાલકો અટવાયા

સંજીવની થી ડ્રાઇવ ઇન તરફ જતો મુખ્ય રોડ બ્લોક કરી દેવાતા વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. પીક અવર્સ દરમિયાન આ માર્ગ પરથી પસાર થતા હજાર વાહનચાલકો ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા છે. ચોમાસા દરમિયાન ખોદકામ કરીને ખાડા ખુલ્લા છોડી દેવાતા, વરસાદી પાણી ભરાવા અને ગાડીઓ ફસાઈ જવાના કિસ્સાઓ બનવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે લોકો પોતાના જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે.

સ્થાનિક વેપારીઓ અને લોકોમાં ભારે રોષ

AMC ની આ લાલિયાવાડી સામે સ્થાનિક વેપારીઓ અને રહીશોએ ભારે ગુસ્સો વ્યક્ત કર્યો છે. એક સ્થાનિક ઓફિસધારકે પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, "અહીં મારી ઓફિસ આવેલી છે, અગાઉ પડેલા વરસાદમાં પાણી ભરાઈ જવાના કારણે મને મોટું આર્થિક નુકસાન થયું હતું. જ્યારે કામ કરવાનું હોય ત્યારે તંત્રને યાદ નથી આવતું અને હવે જ્યારે ભારે વરસાદની આગાહી છે ત્યારે ખોદકામ કરવા નીકળ્યા છે!" વેપારીઓએ ચીમકી આપી છે કે જો તાત્કાલિક ધોરણે કામ પૂર્ણ કરી રોડ ખુલ્લો કરવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો