અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબ અને ઘરવિહોણા લોકોને પાકાં મકાનો પૂરા પાડવા માટે 10,244 મકાનો બનાવવા માટેનું આયોજન હાથ ધર્યું છે. AMC દ્વારા આગામી બે વર્ષમાં શહેરના વિવિધ વિસ્તારોમાં અંદાજે રૂ. 1,406.62 કરોડના ખર્ચે મકાનો બનાવવા માટેની રૂપરેખા તૈયાર કરાઈ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આગામી બે વર્ષમાં રૂ.1,406.62 કરોડના ખર્ચે 10,244 જેટલાં મકાનો બનાવવામાં આવશે. આ હેતુસર કેટલીક સ્કીમો માટે ટેન્ડર મંજૂર કરાયા છે અને કેટલાંક મકાનો માટે ટેન્ડર પ્રોસેસ હાથ ધરવામાં આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ઈઉજીના 2,623 મકાનો, સ્લમ રિડેવલમેન્ટ હેઠળ 2,497 મકાનો, LIG હેઠળ 1,233 મકાનો, તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3,794 આવાસ બનાવવામાં આવશે. આમ, આગામી બે વર્ષમાં શહેરના વિવિધ વિસ્તારોમાં મકાનોની જરૂરિયાત ધરાવતા લોકોને આવાસોની સુવિધા પૂરી પાડવામાં આવશે.રાજ્ય સરકાર અને AMC દ્વારા ઝુંપડાવાસીઓ અને ઘરવિહોણા ગરીબ લોકોને પાકાં મકાનો આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના, ઈઉજી, સ્લમ રિડેવલપમેન્ટ અંતર્ગત પાકાં મકાનો આપવામાં આવે છે. શહેરમાં કેટલીક જગ્યાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષો પહેલાં વર્ગ- 3 અને વર્ગ- 4ના કર્મચારીઓ માટે બનાવવામાં આવેલા સ્ટાફ ક્વાર્ટર્સ પૈકી મોટાભાગના સ્ટાફ ક્વાર્ટર્સ જર્જરિત બની ગયા છે. જેમાં જમાલપુર, બહેરામપુરા, દાણીલીમડા, દૂધેશ્વર, ખોખરા, નરોડા, બાપુનગર, વગેરે વિસ્તારમાં આવેલા મકાનો જૂના અને જર્જરિત બની ગયા હોવાથી આ મકાનોને રીડેવલપ કરવામાં આવશે. AMC દ્વારા LIG મકાનો બનાવવામાં આવે છે. આગામી સમયમાં ચાંદખેડા, ત્રાગડ, સાબરમતી, ખોખરા, ગોતા,સહિતના વિસ્તારોમાં 1,233 જેટલા LIG મકાનો બનાવવામાં આવશે.










