અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે સામે વહીવટી તંત્રે આકરાં પગલાં ભરતાં તેમને નોકરીમાંથી કાયમી ધોરણે ટર્મિનેટ (સેવામુક્ત) કરી દીધા છે. ગઈકાલે ફાયર NOC આપવાના બદલામાં રૂ.36,000ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોની ટ્રેપમાં રંગેહાથ ઝડપાઈ ગયા બાદ AMC દ્વારા પ્રથમ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે, કેસની ગંભીરતાને ધ્યાને રાખીને અમદાવાદ મનપા તંત્રે ત્વરિત અને કડક નિર્ણય લઈને તેમની નિમણૂકનો સંપૂર્ણ અંત આણી દીધો છે.
પ્રોબેશન પિરિયડ પર હોવાથી મનપાએ લીધો નિર્ણય
પ્રાપ્ત વિગતો અનુસાર, અમિત ડોંગરે AMCમાં હજુ પ્રોબેશન પિરિયડ પર સેવા આપી રહ્યા હતા. પ્રોબેશન દરમિયાન જ ગંભીર ભ્રષ્ટાચાર અને લાંચરૂશ્વત જેવા ગુનામાં રંગેહાથ પકડાયા હોવાથી મનપાના નિયમો મુજબ તેમની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરી દેવામાં આવી છે. સામાન્ય રીતે પ્રોબેશન પર રહેલા કર્મચારી કે અધિકારી સામે શિસ્તભંગ કે ગુનાહિત કૃત્ય બદલ કોઈ લાંબી ખાતાકીય તપાસ વિના પણ સીધી ટર્મિનેશનની કાર્યવાહી કરી શકાતી હોય છે, જેનો ઉપયોગ કરીને મનપાએ આ નિર્ણય લીધો છે.
