અમદાવાદ શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે એક મોટી અને સફળ કાર્યવાહી પાર પાડી છે. SMC ની ટીમે નરોડા વિસ્તારમાં ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) નો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજ્યમાં વિદેશી દારૂની ઘૂસણખોરી અને હેરાફેરી કરતા બુટલેગરો સામે SMC ની આ આકરી કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ભારે ધાક જામી છે.
હિંમતનગર રોડ પરથી 3,408 બોટલ દારૂ જપ્ત
SMC ની ટીમને બાતમી મળી હતી કે નરોડા-હિંમતનગર રોડ પર આવેલી ગેલેક્સી પાર્લર પાસે વિદેશી દારૂની મોટી ખેપ ઉતારવામાં આવી રહી છે. બાતમીના આધારે ટીમે સ્થળ પર દરોડો પાડતાં દારૂની 71 જેટલી પેટીઓ મળી આવી હતી, જેમાં કુલ 3,408 બોટલ વિદેશી દારૂ હતો. આ જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ.11.27 લાખથી વધુ આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત હેરાફેરીમાં વપરાયેલી ઇનોવા ગાડી અને અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂ.26.27 લાખનો મુદ્દામાલ પોલીસે સીઝ કર્યો છે.
