અમદાવાદ શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં બનેલી ચેઇન સ્નેચિંગની ગંભીર ઘટનાનો LCB ઝોન-2 ની ટીમે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. ગત 11 સપ્ટેમ્બરની વહેલી સવારે ન્યુ રાણીપ આર્યવીલા ફ્લેટ ચાર રસ્તા પાસેથી પસાર થતી મહિલાના ગળામાંથી બાઇક પર આવેલા બે શખ્સો સોનાની ચેઇન ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. આ મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ LCB ની ટીમે ત્વરિત તપાસ હાથ ધરી હતી.
120 થી વધુ CCTV અને ટેકનિકલ સોર્સથી આરોપીઓની ઓળખ
ગુનાનો ઉકેલ લાવવા માટે LCB ની ટીમે ઘટનાસ્થળથી લઈને કુબેરનગર સુધીના માર્ગો પરના 120 થી વધુ CCTV કેમેરાના ફૂટેજ ઝીણવટપૂર્વક તપાસ્યા હતા. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની ચોક્કસ બાતમીના આધારે પોલીસે મયુર દિનેશ બજરંગે અને દિપક ભીખા ઇન્દ્રેકર નામના બે રીઢા આરોપીઓને ઝડપી લીધા હતા. પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ ચેઇન સ્નેચિંગની કબૂલાત કરી હતી.

