અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક વખત અણઘડ વહીવટ અને બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું છે. મનપા તંત્ર દ્વારા નવો રોડ ડેવલપ કરવામાં આવ્યો હોવા છતાં માર્ગની વચ્ચે રહેલું ઝાડ હટાવવામાં આવ્યું નથી. રસ્તાની વચ્ચોવચ અને ડિવાઇડર કટ પાસે જ આ ઝાડ ઊભું હોવાથી વાહનચાલકો માટે અકસ્માતનો ગંભીર ભય તેમજ ટ્રાફિકની સમસ્યા સર્જાશે.

માર્ગની વચ્ચેનું ઝાડ હટાવવામાં આવ્યું નથી

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નવો રોડ ડેવલપ કરવામાં આવ્યો છે, પરંતુ વિચિત્ર વહીવટના કારણે માર્ગની વચ્ચેનું ઝાડ હટાવવામાં આવ્યું નથી. રસ્તાની બરાબર વચ્ચે ઝાડ યથાવત રખાયું હોવાથી ત્યાંથી પસાર થતાં વાહનચાલકો માટે અકસ્માતનો મોટો ભય ઊભો થયો છે. 

ડિવાઇડર કટ પાસે જ આ ઝાડ ઊભું છે

સૌથી વધુ મુશ્કેલી એ વાતની છે કે ડિવાઇડર કટ પાસે જ આ ઝાડ ઊભું છે, જેના કારણે વાહનોને યુ-ટર્ન લેવામાં ભારે હાલાકી વેઠવી પડે છે. યુ-ટર્ન વખતે વાહનો અટવાઈ જતાં માર્ગ પર વારંવાર ટ્રાફિક જામની ગંભીર સ્થિતિ સર્જાવાની પૂરી શક્યતા રહેલી છે. મનપાના આ પ્રકારના બુદ્ધિના પ્રદર્શનથી સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે.

રોડ વિભાગ અને ગાર્ડન વિભાગ વચ્ચે સ્પષ્ટપણે સંકલનનો અભાવ 

આ છબરડા અંગે રોડ વિભાગ અને ગાર્ડન વિભાગ વચ્ચે સ્પષ્ટપણે સંકલનનો અભાવ હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે રિક્રિએશન કમિટીના ચેરમેનનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ સમગ્ર બાબત હવે તેમના ધ્યાને આવી ગઈ છે. અકસ્માત ન સર્જાય તે માટે આ અંગે ઝાડ પાસે જરૂરી સિમ્બોલ પણ લગાવી દેવામાં આવ્યા છે. ચેરમેને સ્વીકાર્યું હતું કે આમાં રોડ અને ગાર્ડન વિભાગ વચ્ચે સંકલનનો અભાવ કહી શકાય. 

સમસ્યાનો યોગ્ય નિકાલ લાવવા માટે ત્વરિત કામગીરી

જોકે તેમણે ખાતરી આપી હતી કે હવે બંને વિભાગ સાથે મળીને સંકલન કરશે અને સમસ્યાનો યોગ્ય નિકાલ લાવવા માટે ત્વરિત કામગીરી કરવામાં આવશે. ઝાડને હટાવવા બાબતે આગામી સમયમાં યોગ્ય નિર્ણય લઈને માર્ગને વાહન વ્યવહાર માટે સલામત બનાવવામાં આવશે, જેથી વાહનચાલકોને મુશ્કેલી વિના સરળતાથી યુ-ટર્ન લેવાની સુવિધા મળી રહે.  


આ પણ વાંચો  :   CJP નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાને કઇ શરતો હેઠળ મળ્યા જામીન ? કોર્ટને શું આપી બાંહેધરી ?