શારદાબેન હોસ્પિટલ પાસે છ શખ્સો યુવક સાથે અંદરોઅંદર ઝઘડો કરતા હતા. બાદમાં છ શખ્સોએ યુવકને માર મારીને તેનું રિક્ષામાં અપહરણ કરીને તેને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરીને ફરાર થઇ ગયા હતા. આ અંગે મૃતકની પત્નીએ છ શખ્સો સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.
સરસપુરમાં 22 વર્ષીય સુનિતાબેન દંતાણી પરિવાર સાથે રહે છે. તેમના 24 વર્ષીય પતિ ઉમંગભાઇ છુટકમાં કેટરર્સનું કામ કરતા હતા. ગત 3 જુલાઇએ તેમની પુત્રી રડતી હોવાથી ઉમંગભાઇ શારદાબેન હોસ્પિટલની સામે આવેલ ચાની કીટલી પર ચા અને બિસ્કીટ લેવા ગયા હતા. જે બાદ મોડી રાત્રે સુનિતાબેનની જેઠાણી મનિષાબેને તેમને આવીને કહ્યુ કે ઉમંગભાઇને કેટલાક લોકો રિક્ષામાં નાખીને લઇ ગયા છે. જેથી સુનિતાબેન પરિવારજનો સાથે ત્યાં પહોચ્યા પરંતુ પતિ મળી આવ્યો ન હતો. બાદમાં નાસ્તાની લારી ધરાવતા સરવનસિંહ ઠાકોરને પૂછતા જણાવ્યુ કે તેઓ સાફ્સફઇ કરતા હતા તે સમયે છ શખ્સો આવ્યા હતા અને નાસ્તો માંગતા ના પાડી હતી. જેથી છ શખ્સો રાધે પાર્લરના ઓટલા પર બેસીને સિગારેટ પીતા હતા. આ દરમ્યાન ઉમંગભાઇ ત્યાં આવ્યા હતા અને શખ્સો સાથે વાતો કરતા હતા. આ દરમ્યાન અંદરોઅંદર ઝઘડો થતા છ શખ્સોએ ઉમંગભાઇને માર મારીને રિક્ષામાં અપહરણ કરીને મીઠાપાણીના દરવાજા તરફ્ નાસી ગયા હતા. બાદમાં તપાસ કરતા ઉમંગની લાશ વોરાના રોજા પાણીની પરબ પર પડેલ હતી. જેથી અજાણ્યા શખ્સોએ તેનું અપહરણ કરીને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયા હતા. આ અંગે સુનિતાબેને અજાણ્યા છ શખ્સો સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.










