અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાથી વાલીઓ ચિંતિત બન્યા છે, ત્યારે હત્યા બાદ અત્યાર સુધીમાં 170થી વધુ LC લેવાયા હોવાની વાત સામે આવી છે, હજી પણ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓના LC લેવાનો દોર યથાવત રહ્યો છે, એક દિવસમાં 50થી વધુ વાલીઓ એલસી લેતા હોવાનીવાત સામે આવી છે.
સેવન્થ ડે સ્કૂલના સંચાલકો સામે વાલીઓનો રોષ
સમગ્ર ઘટના બન્યા બાદ વાલીઓ પણ વિરોધ કરી રહ્યાં છે અને ડીઈઓએ પણ તપાસનો આદેશ આપ્યો છે, તો વાલીઓનું કહેવું છે કે, સ્કૂલમાં અભ્યાસ સારો છે પણ પ્રસાશન ખરાબ છે અને અમે નથી ઇચ્છતા અમારું બાળક અહીંયા ભણે, બાળકને નોનવેજ ખવડાવવાની વાત પણ સામે આવી છે તેવો વાલીઓનો સ્કૂલ સામે આક્ષેપ છે અને આ ઘટનાને 10 દિવસ વિતવા છતાં સ્કૂલ સંચાલકો ગાયબ છે.
સેવન્થ ડે સ્કૂલના નવા પ્રિન્સિપાલ અને પ્રેસિડેન્ટ તરીકે રોબિન્સનની નિમણૂક
વિદ્યાર્થીની હત્યાની ઘટનામાં ગંભીર બેદરકારી જણાતા સેવન્થ ડે સ્કૂલના પ્રિન્સિપાલ જી.ઈમાન્યુઅલને બરતરફ કરી દેવાયા છે. પુણે સ્થિત મેનેજમેન્ટ દ્વારા સ્કૂલમાં નવા એક્ટિંગ પ્રિન્સિપાલ અને પ્રેસિડેન્ટ તરીકે રોબિન્સનની નિમણૂકનો આદેશ કર્યો છે. ૧૬ પ્રકારના ડોક્યુમેન્ટ્સ સાથે ઉપસ્થિત રહેવાની DEOની નોટિસ બાદ મેનેજમેન્ટના પ્રતિનિધિઓ માન્યતા સહિતના પુરાવા લઈને સ્કૂલે પહોંચ્યા હતા. જોકે હજુ કેટલીક વિગતો ખૂટતી હોવાથી સોમવાર સુધીનો સમય આપવામાં આવ્યો છે. બીજી તરફ પ્રવેશ રદ માટે ડીઈઓની કમિટી સમક્ષ અત્યાર સુધીમાં પ્રવેશ રદ કરાવવા માટે ૨૫૦ જેટલી ઈન્કવાયરી આવી હતી, જેમાંથી ૧૬૦એ લેખિતમાં અરજી પણ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે.
સ્કૂલના પ્રિન્સિપાલ સહિતના સ્ટાફ સામે કાર્યવાહી કરવા મેનેજમેન્ટને પણ ડીઈઓએ નોટિસ પાઠવી હતી
સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ-૧૦ના એક વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થી દ્વારા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હતો. જેના પગલે સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. આ ઘટનાના પગલે સ્કૂલમાં વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો અને તોડફોડ કરી હતી. આ ઘટનામાં સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી હતી. ઘટના અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને જાણ કરાઈ ન હતી, ઉપરાંત ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીને સારવાર માટે ખસેડવામાં પણ સ્કૂલ તરફથી સહયોગ મળ્યો ન હતો. આમ. સ્કૂલની ગંભીર બેદરકારી અંગે જિલ્લા શિક્ષણાધિકારીએ રિપોર્ટ કર્યો હતો. ઘટનાના પગલે સ્કૂલના પ્રિન્સિપાલ સહિતના સ્ટાફ સામે કાર્યવાહી કરવા મેનેજમેન્ટને પણ ડીઈઓએ નોટિસ પાઠવી હતી.









