અમદાવાદના ગુપ્તા નગર ચાર રસ્તા પર આજે એક મોટી હોનારત થતાં થતાં ટળી ગઈ છે. દૈનિક સમય મુજબ ચાલુ વાહન વ્યવહાર વચ્ચે અચાનક જ રસ્તા કિનારે આવેલો ટ્રાફિક સિગ્નલનો ભારેખમ થાંભલો કડાકાભેર ધરાશાયી થયો હતો. જે સમયે આ થાંભલો પડ્યો ત્યારે રોડ પરથી અનેક વાહનચાલકો પસાર થઈ રહ્યા હતા. થાંભલો અચાનક વચ્ચે રોડ પર તૂટી પડતાં જ વાહનચાલકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.

બે વાહનચાલકોનો આબાદ બચાવ, સદનસીબે જાનહાની નહીં

આ દુર્ઘટનામાં સૌથી રાહતના સમાચાર એ રહ્યા કે આટલી મોટી ઘટના છતાં કોઈ જાનહાની નોંધાઈ નથી. સિગ્નલનો થાંભલો બરાબર બે વાહનચાલકોના માથા પર જ પડવાની તૈયારીમાં હતો, પરંતુ સદનસીબે માત્ર સેકન્ડોના તફાવતે તેઓ આગળ નીકળી જતાં થોડા માટે બચી ગયા હતા. જો થાંભલો સીધો વાહનચાલકો પર પડ્યો હોત તો મોટો ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત. ઘટના બાદ સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે રસ્તા પરથી થાંભલો બાજુ પર ખસેડી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

મ્યુનિસિપલ તંત્રની કામગીરી પર ઉઠ્યા ગંભીર સવાલો

આ ઘટના બાદ સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોઈ પણ પ્રકારના વાવાઝોડા કે ભારે વરસાદ વગર જ અચાનક આટલો મોટો સિગ્નલ પોલ કેવી રીતે તૂટી પડ્યો તે અંગે સ્થાનિક મ્યુનિસિપલ તંત્ર અને મેન્ટેનન્સ વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. લોકોનું આક્ષેપ છે કે તંત્ર દ્વારા સમયસર થાંભલાઓનું ચેકિંગ અને જાળવણી કરવામાં આવતી નથી, જેના કારણે આવા અકસ્માતોનું જોખમ વધે છે.

આ પણ વાંચો : Ahmedabad News : વિમાન દુર્ઘટનાની તપાસ અંતિમ તબક્કામાં,ટૂંક સમયમાં રિપોર્ટ જાહેર કરાશે : ઉડ્ડયન મંત્રી