રોડ રસ્તા વચ્ચે ભૂવા પડવાના કારણે હવે મ્યુનિ. કોર્પોરેશનના જ વાહનો ફસાઈ જવાની ઘટના બની રહી છે. જેના કારણે લોકોની સ્થિતિ શું થતી હશે તેનું અનુમાન લગાવી શકાય છે.
દરિયાપુર દરવાજાથી દિલ્હી ચકલા તરફ જતાં માર્ગ પર સલાટવાડા નજીક ભૂવો પડવાના કારણે AMCનું સુપર સક્કર મશીનનું ટાયર ફસાઈ ગયું છે. જેને કાઢવા માટે આખરે ક્રેઈન બોલાવવાની જરૂર પડી હતી. આ અંગે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે, દરિયાપુરનું નામ બદલીને ભૂવાનગરી કરી દેવું જોઇએ. અહીં હાલમાં જ દરવાજા પાસે ભૂવો પડયા પછી અષ્ટ વિનાયક કોમ્પ્લેક્સ અને બીઆરટીએસ રોડ નજીક અને તે પછી કોમ્યુનિટી હોલ પાસે એમ એક પછી એક પાંચ જેટલાં ભૂવા પડયા હતા. આ વચ્ચે હવે સલાટાવાડા નજીક ગટર લાઈનની સફાઈ માટેની ગાડી દિલ્હી ચકલા નજીક સુપરસક્કર મશીન પસાર થઈ રહ્યું હતું. પરંતુ અચાનક રોડ વચ્ચે ભૂવો પડયો અને તેમાં કોર્પોરેશનની જ ગાડી ફસાઈ ગઈ છે. જેથી તંત્રએ હવે તો આંખ ઉઘાડવી જોઇએ. શહેરના હેરિટેજ અને જૂના વિસ્તારોમાં પણ રોડ રસ્તાની જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ જઈ રહ્યું છે. જેના કારણે લોકોની હાલાકીમાં વધારો થઈ રહ્યો છે.










