અસારવાની મ્યુનિ. સ્કૂલમાં VIP ને બેસવા માટે ખુરશી ઊંચકવાના કામમાં બાળકોને જોતરી દેવાતા વિવાદ વકર્યો છે.
સ્કૂલના આચાર્યએ માણસો સાથે કામ કરાવવાના બદલે સ્કૂલના બાળકો પાસે કામ કરાવતા વાલીઓમાં રોષની લાગણી પ્રસરી ગઇ છે. વીર શહીદ ગોપાલસિંહ ભદોરિયા સ્કૂલમાં બાળકો પાસે કરાવેલી કામગીરી આંખે દેખાઇ રહી હતી.
સ્થાનિક સુત્રો કહ્યું કે, અસરવાની વીર શહીદ ગોપાલસિંહ ભદોરિયા સ્કૂલમાં બુધવારે રાજકીય આગેવાનો સહિત મ્યુનિ. સ્કૂલ બોર્ડના ઉચ્ચઅધિકારીઓને બેસવા માટે બાળકો પાસે ખુરશી ઊંચકાવાનું કામ કર્યુ હતું. જેનો સોશિયલ મીડિયામાં વાઈરલ વીડિયો થતાં વાલીઓએ પણ રોષ વ્યક્ત કર્યો હતો. સ્કૂલમાં કોઇ પણ કાર્યક્રમ માટે બજેટની ફાળવણી કરાય છે, આવા કામ માટે સ્કૂલના પટાવાળા પાસે કામ કરાવવાનું હોય છે અથવા તો અન્ય કોઇ ખાનગી માણસને મહેનતાણુ ચૂકવી વ્યવસ્થા કરવાની હોય છે. તેના બદલે સ્કૂલના આચાર્યએ બેદરકારી દાખવી બાળકો પાસે ખુરશીઓ ઊંચકાવી હતી. મ્યુનિ. સ્કૂલોમાં બાળકો પાસે કામ કરાવવાના વિડીયો ઘણીવાર વાઈરલ થતાં હોવા છતાં સ્કૂલના બોર્ડના ઉચ્ચઅધિકારીઓ કે હોદ્દેદારો પગલાં ભરતા નથી. જેના લીધે આવા કિસ્સા વધી રહ્યા હોવાનું મનાય છે. મ્યુનિ. સ્કૂલમાં સરકારી ખર્ચે અભ્યાસ કરતાં બાળકો પાસે કોઇ પ્રકારનું કામ કરાવી શકાય નહીં. આવા ખર્ચ માટે મ્યુનિ. સ્કૂલ બોર્ડના બજેટમાં અલાયદા બજેટની જોગવાઇ કરાય છે. મ્યુનિ. સ્કૂલના આચાર્યને પણ આવા ખર્ચ કરવા માટે ગ્રાન્ટ અપાય છે. આમ છતાં બેદરકારી દાખવતા આચાર્યો સામે શિક્ષાત્મક પગલાં ભરાવવા જોઇએ, તેવી વાલીઓમાં માંગ છે.