અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલુ ખોડિયાર મંદિર ખસેડવા અંગે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ મંદિર ખસેડવા માટે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ખોડિયાર મંદિર ખસેડવા માટે તેઓ મંદિરમા માતાજીની રજા લેવા માટે દાણા જોવડાવવા બેઠા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ડો.રાકેશ જોષીનો વીડિયો થયો વાયરલ
એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલ અત્યાધુનિક ટેક્નોલોજીથી સારવાર માટે જાણીતી બની છે. અહીં લોકોના અંગદાન થકી અનેક લોકોને નવજીવન મળે છે. ત્યારે હોસ્પિટલના મુખ્ય ડોક્ટર સિવિલ કેમ્પસમાં આવેલા મંદિરમાં દાણા જોવડાવવા બેઠા હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા ખોડિયાર મંદિરને ખસેડવા માટે તંત્રએ તૈયારીઓ કરી છે. આ મંદિરને ખસેડવા માટે લોકોએ વિરોધ કર્યો છે. આ મંદિરમાં સ્થાનિક લોકોની આસ્થા જોડાઈ છે.
ખોડીયાર મંદિરમાં સુપરિટેન્ડેન્ટે દાણા જોવડાવ્યા
સિવિલ હોસ્પિટલના સુપ્રિટન્ડેન્ટ ડો. રાકેશ જોશી આ મંદિરને ખસેડવાનું હોવાથી માતાજીની રજા લેવા માટે મંદિરમાં પુજારી અને સ્થાનિક લોકો પાસે દાણા જોવડાવવા માટે બેઠા હતાં. માતાજીની રજા લેવાની હોવાથી ડોક્ટર દાણા જોવડાવવા બેઠા હતાં. આ દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ પણ મંદિરમા દર્શનાર્થે આવ્યા હતાં. આજના આધુનિક યુગમાં પણ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના ડોક્ટર દાણા જોવડાવવા બેઠા હોવાથી આ અંધશ્રદ્ધા કે વિશ્વાસ તેને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
અમદાવાદ સિવિલના સુપરિટેન્ડેન્ટના વીડિયો મુદ્દે ખુલાસો
અમદાવાદ સિવિલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીનો વીડિયો વાયરલ થયા બાદ ખુલાસો કરવામાં આવ્યો હતો. મંદિરના પૂજારી સંદીપ દવે એ કહ્યું હતું કે, મંદિર હટાવવા મુદ્દે સુપરિટેન્ડેન્ટ વાતચીત માટે આવ્યા હતા.મંદિરમાં પરંપરાગત મુજબ દાણા પૂજારીએ જોવડાવ્યા હતા.સુપરિટેન્ડેન્ટ અંધશ્રદ્ધાને લઇને આવ્યા ન હતા.અમે દાણા બતાવીએ એને અંધશ્રદ્ધા ના કહેવાય.









