CTM એક્સપ્રેસ હાઈવેથી વડોદરા ફેરા મારતા કારચાલકોની દાદાગીરી દિવસે ને દિવસે વધી રહી છે. પેસેન્જર ભરવા બાબતે ટેક્સીચાલકોમાં અંદરોઅંદર અનેકવાર ઝઘડા થયા છે.


ત્યારે તેની અદાવતમાં વડોદરાથી ગાડીમાં આવેલા ચાર શખ્સોએ લોખંડની પાઇપ અને લાકડાના દંડાથી એક્સપ્રેસ હાઈવે પાસે ઉભેલી કારના કાચ તોડીને નાસી ગયા હતા. પોલીસે રસ્તા વચ્ચે ઊભા રહી દબંગાઇ કરતા આવા ટેક્સી ડ્રાઈવરોની 10થી વધુ કાર ડિટેઇન કરીને માલિકો સામે ગુનો નોંધ્યો છે. ઉપરાંત વડોદરાના ચાર શખ્સો સામે રામોલ પોલીસે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.

રામોલ નજીક આવેલા CTM એક્સપ્રેસ હાઈવેથી વડોદરા જવા માટે પ્રાઈવેટ અને સરકારી વાહનો કતાર લગાવીને ઊભા રહે છે.

પ્રાઇવેટ વાહન ચાલકોમાં ચાલતી ધંધાની હરીફાઈના કારણે ઘણી વખત નિર્દોષ મુસાફરોના જીવ તળાવે ચોંટી જતા હોય છે. રવિવારે સવારે પેસેન્જરની રાહ જોઇને એક ચાલક ઊભો હતો. તે જ સમયે વડોદરાથી એક કારમાં ચાર શખ્સો આવ્યા હતા. તેમણે લોખંડની પાઈપ અને લાકડાના ડંડાથી ગાડીના કાચ ફોડીને ફ્રાર થઇ ગયા હતા. આ ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. આ અંગે કાર માલિક હિતેશ ભરવાડે વડોદરાના લુખ્ખા તત્તવો જયદિપ ચૌહાણ, સુનીલ ડાંગી, અંકિત ડાંગી, ભૂરિયો તેમ ચાર લોકો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. જેને પગલે પોલીસે CTM એકપ્રેસ હાઈવે પર દબંગાઈ કરતા ટ્રાવેલ્સ ઓપરેટરો સામે લાલઆંખ કરી છે. જેમાં રામોલ પોલીસે 10થી વધુ કાર ડિટેઇન કરીને માલિક સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.


  • Follow us on: