નિકોલમાં વેપારીએ મિત્ર પાસેથી ઉછીના લીધેલ રૂપિયા પરત આપી દીધા છતા મિત્ર બે શખ્સો સાથે વેપારીની દુકાને જઇને બિભત્સ ગાળો બોલીને ઝઘડો કરીને માર મારીને લોહિલુહાણ કરી નાખ્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્રણેય શખ્સો ફરાર થઇ ગયા હતા. આ અંગે વેપારીએ ત્રણેય શખ્સો સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.
નવા નરોડામાં રહેતા જય પરમાર નિકોલમાં બૂટ-ચપ્પલની દુકાન ધરાવી ધંધો કરે છે. જેમાં ત્રણ વર્ષ પહેલા તેમને મિત્ર અરૂણ પ્રજાપતિ પાસેથી હાથઉછીના રૂ. 70 હજાર લીધા હતા અને તે ચૂકવી પણ આપ્યા હતા. ગત 3 જુલાઇએ તે દુકાને હતા ત્યારે અરૂણ તેના મિત્રો અમીત પ્રજાપતિ અને સુરજ સેંગર સાથે દુકાને આવ્યો હતો. બાદમાં અરૂણે જયને મારા રૂપિયા ક્યારે આપીશ કહીને ગાળો બોલીને ઝઘડો કરવા લાગ્યો હતો. બાદમાં ત્રણેય શખ્સોએ જયને માર મારવાનો શરૂ કર્યો હતો. તેમજ વેપારીનો ફોન પણ પછાડીને તોડી નાખ્યો હતો. જેથી વેપારી દુકાનમાંથી બહાર નીકળી જતા આસપાસના લોકો ભેગા થઇ જતા ત્રણેય શખ્સો ત્યાંથી જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયા હતા. ત્યારે ઇજાગ્રસ્ત જયને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.










