અમદાવાદના રામોલ વિસ્તારમાં ફટાકડાની એક ફેક્ટરીમાં સર્જાયેલી ભીષણ આગની દુર્ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા અનેક ગેરકાયદેસર અને જોખમી એકમો સામે લાલ આંખ કરીને તેમને સીલ કરવામાં આવ્યા હતા. આ ગંભીર અકસ્માત બાદ શહેરમાં ફટાકડાના વેચાણ અને સંગ્રહ કરતી જગ્યાઓની સુરક્ષાને લઈને મોટાપાયે તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેના કારણે અનેક વેપારીઓની દુકાનો અને ગોડાઉનો પર સીલ મારી દેવામાં આવ્યા હતા.
બેઠકમાં મહત્વની ચર્ચા અને રાહત આપવા વિચારણા
આ ગંભીર મામલે તાજેતરમાં ટાઉન પ્લાનિંગ (TP) કમિટીની બેઠકમાં અત્યંત મહત્વની ચર્ચાઓ કરવામાં આવી છે. ખાસ કરીને આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને સિઝનેબલ (મોસમી) વેપારીઓ કે જેઓ ફટાકડાનો નાનો જથ્થો રાખતા હોય અને ધંધા પર નિર્ભર હોય, તેમને સીલ ખોલીને રાહત આપવા બાબતે ગહન વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા એવા નાના વેપારીઓને અલગ તારવવાની કવાયત ચાલી રહી છે જે નિયમોનું પાલન કરતા હોય અને ઓછો જથ્થો ધરાવતા હોય.
