અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ સંચાલિત LG હોસ્પિટલ કેમ્પસમાંથી એક અત્યંત દુઃખદ અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. હોસ્પિટલ પરિસરમાં ચાલી રહેલા નવી બિલ્ડિંગના બાંધકામ દરમિયાન 8મા માળેથી નીચે પટકાતાં એક 28 વર્ષીય યુવાન શ્રમિકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે હોસ્પિટલ સ્ટાફ અને ત્યાં હાજર લોકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

યુવક આઠમા માળેથી પટકાયો

મળતી માહિતી મુજબ, LG હોસ્પિટલ કેમ્પસમાં હાલ નવી બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે. જ્યાં મજૂરી કામ કરતો 28 વર્ષીય શ્યામ ગોરધન માલી નામનો યુવક આઠમા માળે કામ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક સંતુલન બગડતાં તે સીધો આઠમા માળેથી નીચે પટકાયો હતો. ઊંચાઈ પરથી ખૂબ જ વેગ સાથે નીચે પડવાને કારણે યુવકને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. 

પોલીસે હાથ ધરી તપાસ

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાંધકામ સાઇટ પર સુરક્ષાના સાધનો હતા કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો