અમદાવાદમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વિકરાળ બનતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. શહેરમાં અનેક ઠેકાણે કોર્પોરેશન દ્વારા થતી કામગીરી ચાલુ હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. બીજી તરફ ક્યાંક ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસનો પણ અભાવ સામે આવી રહ્યો છે. વધતી ટ્રાફિક સમસ્યાને લીધે શહેરના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
શહેરમાં સૌથી વધુ ટ્રાફિક સરખેજ ગાંધીનગર હાઈવે પર થાય છે
અમદાવાદ શહેરમાં કોર્પોરેશનની કામગીરી અંતર્ગત ક્યાંક બ્રિજ તો ક્યાંક ગટરના કામ ચાલુ જ છે. આ કામો પૂર્ણ નહીં થતાં વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાય છે. જ્યાં કામગીરી થતી હોય છે ત્યાં ટ્રાફિકના નિયંત્રણ માટે પોલીસ પણ હાજર હોતી નથી. જેના કારણે લોકો ઉતાવળમાં નિકળવા જતાં ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે. જ્યાં પોલીસ હાજર નથી હોતી ત્યાં વાહન ચાલકો બેફામ પણે નીકળે છે. શહેરમાં અનેક ઠેકાણે રોડ ખરાબ છે અને અનેક જગ્યા પર ડાયવર્ઝનને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જા છે. ક્યાંક ભૂવા પડ્યા હોય તો પણ વાહન ચાલકોને નિકળવું મુશ્કેલ સાબિત થાય છે. શહેરમાં સૌથી વધુ ટ્રાફિક સરખેજ ગાંધીનગર હાઈવે પર થાય છે.
ટ્રાફિક પોલીસ અને તંત્ર સામે લોકોમાં રોષ
પોલીસ વિભાગમાં જે ટીઆરબીના જવાનોને ટ્રાફિક નિયંત્રણ માટે રાખવામાં આવ્યાં છે. આ ટીઆરબીના જવાનો વાહન ચાલકોને ઉભા રાખી તેમની પાસેથી દંડ વસૂલવાનું કામ કરી રહ્યાં છે. લોકો સાથે વારંવાર અથડામણમાં આવવા છતાં ટીઆરબી જવાનો સામે કોઈ એક્શન લેવામાં આવતા નથી. વાહન ચાલકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ટીઆરબી જવાનો બેરોકટોક વાહન ઉભુ રખાવીને દંડ વસૂલવાની કામગીરી કરતા નજરે પડે છે. જેથી પોલીસ અને કોર્પોરેશન બંનેની નિષ્ફળ કામગીરીને કારણે શહેરમાં ટ્રાફિક સમસ્યા વકરી હોવાનું લોકો જણાવી રહ્યાં છે.









