પૂર્વના ઝડપથી વિકસિત થઈ રહેલા નિકોલ વોર્ડની સ્થિતિ સૌથી ખરાબ થઈ રહી છે. લાંબા સમયથી ગટર અને પાણીના લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.


પરંતુ હજી સુધી કામગીરી પૂર્ણ ન થવાના પરિણામે અંદાજે 6.5 કિમીના રોડ પર છેલ્લા 4 મહિનાથી 20 હજારથી વધુ જનતા પરેશાન થઈ રહી છે. જેમાં માત્ર નિકોલના જ નહીં, પણ બાપુનગર, ઠક્કરબાપા નગર, નરોડા સહિતના વિસ્તારોમાં અવરજવર કરતાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ અંગે સ્થાનિકોની ફરિયાદ છે કે, વરસાદ પહેલાં તંત્ર દ્વારા ઠક્કરબાપા નગર કેનાલથી નિકોલ કઠવાડા સુધીના રોડની કામગીરી પૂર્ણ કરવા માટે જણાવ્યું હતું. તેમ છતાં હજી સુધી કામગીરી પૂર્ણ થઈ નથી અને રોડ પર ઠેર-ઠેર ખાડા પડયા છે. એટલું જ નહીં રોડની બિસ્માર સ્થિતિના કારણે આસપાસની દુકાનદારો વેપાર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આ માટે વરસાદના કારણે કામગીરી મંથરગતિએ ચાલી રહી છે જ્યારે કામગીરી કોઈ પણ ભોગે પૂર્ણ કરવા માટે તંત્રએ પ્રયત્ન કરવો જોઇએ પણ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ દ્વારા તસ્દી લેવામાં આવી રહી નથી.

નિકોલ ગામથી બાપુસીતારામ ચોક, ઠક્કરબાપા નગરથી કઠવાડા એસપી રિંગ રોડ સુધીના રોડ પર છ મહિના અગાઉથી સ્ટ્રોમ વોટર લાઈન, ગટરની લાઈન અને પાણીની લાઈન નાખવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે બંને તરફનો રોડ ખોદવામાં આવ્યો છે. જેમાં નિકોલ ગામથી સરદાર પટેલ ચોક પાસે 25 થી 30 સોસાયટીઓ આવેલી છે. તેમજ રોડ પર વિશાળ શોપિંગ કોમ્પલેક્ષ અને શાળાઓ પણ આવેલી છે. જેના કારણે નાના બાળકોથી લઈ વેપારીઓ પણ ખરાબ રોડના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. રોડની એટલી બિસ્માર સ્થિતિ છે કે, લોકોને 6 કિમીનો રોડ પસાર કરવામાં 30 થી 45 મિનિટ જેટલો સમય લાગી જાય છે. જેના પર વેટમિક્ષ નાખવાની કામગીરી પણ યોગ્ય રીતે કરવામાં આવી રહી નથી. જેના કારણે સામાન્ય વરસાદમાં જ રોડનું ધોવાણ થઈ રહ્યું છે.


  • Follow us on: