અમદાવાદ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય) દ્વારા જિલ્લાના ૩૫ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. કુલ ૧૩ જેસીબી, ૨૦ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૫૦થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે.


ગ્રામીણ તથા શહેરી માર્ગોને નુકસાન થયું હતુ
રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી હાઇવે અને ગ્રામીણ તથા શહેરી માર્ગોને જ્યાં નુકસાન થયેલું છે, ત્યાં રોડ રિપેરિંગ અને પેચવર્ક કરીને રસ્તાઓને પુનઃ પૂર્વવત્ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય) દ્વારા વિવિધ તાલુકાઓમાં અત્યાર સુધીમાં નાના-મોટા તમામ ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું મેટલ પેચ તથા ડામર પેચવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ક્ષતિગ્રસ્ત માર્ગોની મરામત કરવામાં આવી
આ અંગે મુખ્યમંત્રી દ્વારા નાગરિક જીવનમાં રોજિંદા યાતાયાત માટે અતિ મહત્ત્વના એવા રોડ નેટવર્કની તત્કાલ મરામત હાથ ધરવાના દિશાનિર્દેશો અને સૂચનાઓ સંબંધિત વિભાગો અને તમામ જિલ્લાના વહીવટી તંત્રને આપવામાં આવી છે. જે અંતર્ગત, અમદાવાદ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય) દ્વારા કુલ ૧૩ જેસીબી, ૨૦ ડમ્પર, ૧૦ રોલર, ૫-૫ હિટાચી, ટ્રેક્ટર તેમજ ટેરી કટર અને ૬ જેટલા લોડરની મદદથી ૧૫૦થી વધુ શ્રમયોગીઓ દ્વારા વરસાદ વગરનો કે ઓછો વરસાદ હોય, તેવો એક પણ દિવસ વ્યર્થ ન જાય અને રજાનો દિવસ હોય, તોપણ રિપેરિંગ કામગીરી ચાલુ રાખીને ક્ષતિગ્રસ્ત માર્ગોની મરામત કરવામાં આવી રહી છે.

ટીમવર્કથી કામગીરી માટે જિલ્લા કલેક્ટર કક્ષાએથી સૂચનાઓ આપવામાં આવી છે
આ પ્રકારે, જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ક્ષતિગ્રસ્ત થયેલા કુલ ૪૯.૨૫ કિમી લંબાઈના માર્ગોમાંથી ૨૯.૨૫ કિમી રસ્તાનું મેટલ પેચથી, જ્યારે ૬ કિમી રસ્તા પર ડામર પેચવર્ક કરવામાં આવ્યું છે. આ તમામ કામો ગુણવત્તાયુક્ત થાય, તે સુનિશ્ચિત કરવા અને વિવિધ વિભાગો સાથે આવશ્યક સંકલન સાધીને ટીમવર્કથી કામગીરી માટે જિલ્લા કલેક્ટર કક્ષાએથી સૂચનાઓ આપવામાં આવી છે.
  • Follow us on: