ચોમાસની ઋતુમાં શહેરના પૂર્વ વિસ્તારની વરવી વાસ્તવીકતા દર વર્ષે છતી થતી હોય છે ત્યારે રામોલમાં જનતાનગર પાસે મ્યુનિ. કોર્પોરેશનની શાળાની બહાર પાણી ભરાઈ જવાના કારણે નાના વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે.


તો બીજી તરફ મોટા વિદ્યાર્થીઓએ ગંદા પાણીમાંથી પસાર થઈને શાળાએ આવવું પડી રહ્યું છે. આ અંગે રજૂઆત કરવા છતાં પણ વિસ્તારના અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં ન આવી રહી હોવાની ફરિયાદ વાલીઓ અને શાળા દ્વારા કરવામાં આવી છે. જ્યારે રોડ પર પુરાણ કરવા માટેની કામગીરી કરવામાં તંત્રની આનાકાનીના પરિણામે વિદ્યાર્થીઓનું ભણતર પ્રભાવિત થઈ રહ્યું છે.

પૂર્વ ઝોનમાં આવેલા રામોલ જનતાનગર પાસેના મદની નગર મ્યુનિ. કોર્પોરેશનની શાળા પાસે છેલ્લા થોડાં દિવસોથી રોડ ખરાબ હતો. જેના કારણે તેના પર સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે. આ અંગે કામગીરી કરવામાં ન આવતાં આખરે શાળા પ્રશાસન દ્વારા નાના વિદ્યાર્થીઓના માટે શાળા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે મોટા વિદ્યાર્થીઓ ગંદા પાણીમાંથી શાળામાં પ્રવેશ કરી રહ્યા છે. જેના કારણે તેમના માંદગીનો અને તેમના સ્વાસ્થ્ય માટે મુશ્કેલી ઉભી થવાનો પણ ભય રહેલો છે. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે, આ વિસ્તારમાં એક માત્ર સરકારી શાળા આવેલી છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળાની આગળનો રોડનું યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યું નથી.


  • Follow us on: