અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની કામગીરી પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. નરોડા પાટિયા પાસે બની રહેલા બ્રિજનું બાંધકામ હજુ સંપૂર્ણ રીતે પૂર્ણ થયું નથી, છતાં તંત્ર દ્વારા બ્રિજ પર રંગરોગાન શરૂ કરી દેવામાં આવ્યું છે. બ્રિજનો વચ્ચેનો મુખ્ય ભાગ હજુ પણ અધૂરો લટકી રહ્યો છે, ત્યારે અડધા બ્રિજને કલરથી ચમકાવી દેવાની તંત્રની આ અજીબોગરીબ કામગીરી જોઈને સ્થાનિક રહીશો અને વાહનચાલકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.

નાગરિકોના ટેક્સના પૈસાનો વેડફાટ

આ વિવાદાસ્પદ કામગીરીને પગલે સ્થાનિક નાગરિકોમાં મનપા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે બ્રિજનું મૂળ બાંધકામ પૂરું કર્યા વગર જ કલરકામ પાછળ ખર્ચ કરીને પ્રજાના પરસેવાની કમાણી અને ટેક્સના નાણાંનો ખુલ્લેઆમ વેડફાટ કરવામાં આવી રહ્યો છે. બ્રિજ ક્યારે વાહન વ્યવહાર માટે ચાલુ થશે તેની કોઈ ખાતરી નથી, પરંતુ કલર કરીને કામગીરી બતાવવાનો મનપાનો પ્રયાસ હોય તેવો ઘાટ સર્જાયો છે.

https://x.com/sandeshnews/status/2094678935246414285?s=20

"બ્રિજ ક્યારે પૂર્ણ થશે?" નાગરિકોનો મનપા તંત્રને તીખો સવાલ

નરોડા પાટિયા વિસ્તારમાં દરરોજ ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાય છે, જેના કારણે વાહનચાલકો લાંબા સમયથી આ બ્રિજ વહેલી તકે શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે. પરંતુ તંત્રની આવી આયોજન વગરની કામગીરી જોઈને પ્રજા હવે પૂછી રહી છે કે "આખરે આ બ્રિજ ક્યારે પૂર્ણ થશે?". અધૂરા બ્રિજ પર કલરકામની આ ઘટનાએ મનપાના એન્જિનિયરિંગ વિભાગ અને તંત્રના આયોજન પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધો છે.

આ પણ વાંચો : Surat News : રૂપિયાની અદાવતમાં પત્નીની બલિ ચડાવનાર નરાધમ પતિ જેલહવાલે, પુણા હત્યા કેસમાં કોર્ટની મોટી કાર્યવાહી