અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરના ઓઢવ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરીને સ્પાની આડમાં ચાલતા મેફેડ્રોન (MD ડ્રગ્સ) ના કાળો કારોબારનો ખુલાસો કર્યો છે. એસ.પી. રિંગ રોડ પર આવેલા ઓઢવ સર્કલ નજીકના 'એસ.એચ.આર. નેચરલ સ્પા'માં ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડીને સ્પા સંચાલકની અટકાયત કરી છે. પકડાયેલા આરોપીની ઓળખ પીરારામ લીલારામ ચૌધરી તરીકે થઈ છે, જે સ્પા ચલાવવાની સાથે નશીલા પદાર્થોનું વેચાણ કરતો હતો.

સ્પામાંથી મેફેડ્રોન, વજનકાંટો અને જીપર બેગ કબ્જે

પોલીસના દરોડા દરમિયાન સ્પા પરિસરમાંથી 212.900 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ.6,38,700થી વધુ હોવાનું અનુમાન છે. ક્રાઈમ બ્રાન્ચે સ્પામાંથી મેફેડ્રોનના જથ્થા ઉપરાંત બે મોબાઈલ ફોન, ડ્રગ્સનું વજન કરવાનો નાનો વજનકાંટો અને પેકિંગ માટે વપરાતી ખાલી જીપર બેગ સહિત કુલ રૂ.6,48,700થી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સપ્લાયર રમેશ માળી વોન્ટેડ જાહેર

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપી પીરારામ ચૌધરી સામે અગાઉ પણ ત્રણ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પ્રાથમિક પૂછપરછમાં ડ્રગ્સનો આ જથ્થો રમેશ માળી નામના શખ્સે સપ્લાય કર્યો હોવાનું ખૂલતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે પકડાયેલા આરોપી તેમજ વોન્ટેડ સપ્લાયર વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને, આ મેફેડ્રોનનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને શહેરમાં કોને-કોને ડિલિવર કરવાનો હતો તે અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો