નારોલમાં કોન્ટ્રાકટરે તેની હાથ નીચે કંપનીમાં કામ કરતા કારીગરની દિવાળી હોવા છતાં પગાર કર્યો નહોતો. અને કોન્ટ્રાકટર સોસાયટીની બહાર બાઈક લઈને નીકળ્યો ત્યારે કારીગર તેની પાસે બાકીના પગારની માંગણી કરતા કોન્ટ્રાકટરે કંપનીએ આવીને પગાર લઇ જજે તેવું કહેતા કારીગરે ઉશ્કેરાઈને લાકડાના ડંડાના ફ્ટકા માર્યા અને માથામાં પથ્થર મારીને ફરાર થઇ ગયો હતો. આ અંગે કોન્ટ્રાક્ટરે કારીગર સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
નારોલના રહેતા સુરેન્દ્રસિંહ કુશ્વાહ પીપળજ ખાતે કંપનીમાં લેબર કોન્ટ્રાકટનું કામ કરે છે. શુક્રવારે સાંજે સુરેન્દ્રસિંહ બાઈક લઈને શિવનગર ત્રણ રસ્તા પાસે પહોંચ્યા ત્યાં અગાઉથી તેમની હાથ નીચે કામ કરતો કારીગર મનોજે બાકી નીકળતો પગાર અંગેની માંગણી કરતા સુરેન્દ્રસિંહે આવતીકાલે કંપનીએ આવીને પગાર લઇ જજે તેમ કહ્યું હતું. પરંતુ કારીગર મનોજે રાહ જોવાથી ઇનકાર કર્યો અને બંને વચ્ચે તકરાર થઇ જતા મનોજે ડંડો લઈને કોન્ટ્રાકટરને ફ્ટકાર્યો હતો. તેમજ રસ્તામાં પડેલ પથ્થર લઈને માથામાં મારી દીધો હતો. ત્યારબાદ સ્થાનિકોએ ઈજાગ્રસ્ત સુરેન્દ્રસિંહને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. આ અંગે સુરેન્દ્રસિંહે નારોલ પોલીસમાં મનોજ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.










