શહેરના પૂર્વ વિસ્તારમાં ઠગાઇના બે બનાવોમાં ગઠિયાઓએ કુલ રૂપિયા 3.05 લાખની છેતરપિંડી આચરી છે. બાપુનગરમાં બર્ગરકિંગની ફ્રેન્ચાઇઝી આપવાનું કહીને ગઠિયાએ યુવક પાસેથી રૂપિયા 2.65 લાખ પડાવી લીધા હતા. ત્યારે ઇસનપુરમાં જ્વેલર્સના ત્યાંથી મિત્રે યુવકને રૂપિયા 40 હજારની સોનાની બુટ્ટી છોડાવી આપી પરત ન આપી ઠગાઇ આચરી છે. બંને બનાવોમાં પોલીસે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
બાપુનગરમાં રહેતા સાર્થકભાઇ પટેલ નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 16 એપ્રિલે તેઓ ઘરે હતા ત્યારે બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવાનું પ્લાન કરતા હતા. જેથી ઓનલાઇન બર્ગરકિંગની ફ્રૂડ ફ્રેન્ચાઇઝી લેવા સર્ચ કર્યુ હતુ. જેમાં અલગ અલગ પાંચ લિંક મળી હતી. જેથી એક લિંક પર સાર્થકભાઇએ એપ્લાય કર્યુ હતુ. 10 દિવસ અજાણ્યા નંબર પરથી સાર્થકભાઇને ફોન આવ્યો હતો પોતાનું નામ સચિન દિક્ષિત તમે ફ્રેન્ચાઇઝી લેવા એપ્લાય કર્યુ તેમાં એપ્રુવલ આપવા ફોન કર્યો છે તેમ જણાવવામાં આવ્યું હતુ. બાદમાં ગઠિયાએ તમે ફ્રેન્ચાઈઝી લેવા એપ્લીકેશન ફી પેટે રૂપિયા 2.65 લાખ આપશો તો કંપનીના ફ્રેન્ચાઇઝી ડિસ્ક્લોઝર ડોક્યુમેન્ટ મોકલી આપીશુ તેમ કહ્યુ હતુ. જેથી સાર્થકભાઇએ ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરતા ગઠિયાએ બનાવટી રિસિપ્ટ પણ મોકલી હતી. તેમજ ડોક્યુમેન્ટ બે દિવસ બાદ મોકલવાનું કહીને મોકલ્યા ન હતા. જેથી રૂપિયા પરત માંગવા ફોન કરતા બંધ આવતો હતો. જેથી ઠગાઇની જાણ થઇ હતી. આ અંગે સાર્થકભાઇએ અજાણ્યા ગઠિયા સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.










