અમદાવાદ જિલ્લાની 950 સ્કૂલોમાં ધ્વજવંદન અને તીરંગાયાત્રા કરવા સૂચના અપાઇ છે. કેટલીક સ્કૂલોમાં માત્ર શિક્ષકો જ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરતાં હોવાનું જાણવા મળ્યા બાદ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ તરફથી સૂચના જારી કરાઇ છે. જિલ્લાની સરકારી 687 સ્કૂલો એ; ખાનગી 263 મળી કુલ 950 સ્કૂલોમાંથી કેટલીક સ્કૂલોમાં 15મી ઓગસ્ટ સ્વતંત્રા દિવસ નિમિતે ઉજવણીમાં માત્ર શિક્ષકો સહિતનો સ્ટાફ હોય છે. કેટલીક સ્કૂલોમાં તો ગણતરીના બાળકોની હાજરીમાં જ 15થી 20 મિનીટમાં કાર્યક્રમ પૂરો કરી સ્ટાફ રવાના થઇ જાય છે. જેને ધ્યાનમાં રાખી આ વખતે ધ્વજવંદનની સાથે તીરંગાયાત્રા કરવા પણ સૂચના અપાઇ છે.


અમદાવાદ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતીના ચેરમેને દિગપાલસિંહ ચુડાસમાએ કહ્યું કે, પ્રત્યેક સ્કૂલના પ્રિન્સીપાલોને સૂચના અપાઇ છે. સ્કૂલોમાં ધ્વજવંદન અને તીરંગયાત્રાની ઉજવણી થઇ છેકે, નહીં તેની ચકાસણી પણ કરાશે. પ્રત્યેક સ્કૂલોએ પોતાની રીતે તીરંગાયાત્રાનું આયોજન કરવાનું રહેશે. આ વખતે 15મી ઓગસ્ટ શુક્રવારના રોજ સાતમ, તા. 16મીને શનિવારે જન્માષ્ટમી અને રવિવારે નોમના પારણા હોવાથી રજાઓની હારમાળા છે. જેના લીધે સરકારી અને ખાનગી સ્કૂલોમાં બાળકોની ઉપસ્થિતીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ થાય તે માટે અગાઉથી જ સૂચના આપી દેવાઇ છે.


  • Follow us on: