એક તરફ શહેરમાં વર્લ્ડ હેરિટેજ સીટીના તર્જ પર નવા નવા રચનાત્મક પગલાં ભરવામાં આવી રહ્યા છે ત્યારે જ ઐતિહાસિક ઈમારતો જર્જરિત બની રહી છે અને તેની કાળજી લેવામાં આવી રહી નથી. શહેરના દરિયાપુર વિસ્તારમાં તંબુ ચોકી પાસે આવેલ ચબૂતરો હાલ અત્યંત જર્જરીત સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. આ ચબૂતરો કોર્પોરેટર દ્વારા કોર્પોરેશનના બજેટમાંથી ફાળવવામાં આવેલ હોવાનું જાણવા મળે છે. પક્ષીઓ માટે આશ્રાયસ્થાન તરીકે ઉપયોગમાં લેવાતા આવા ચબૂતરાઓનું સંરક્ષણ અને જાળવણી પર્યાવરણ હિત માટે અત્યંત આવશ્યક છે. જેના રિનોવેશન માટે અલગ અલગ સમયે બજેટની ફાળવણી કરવામાં આવી રહી છે ત્યારે તેની વાસ્તવિક રીતે યોગ્ય જાળવણી કરવામાં આવી રહી નથી.


આ અંગે સ્થાનિકોની માંગણી રહેલી છે કે, શહેરમાં જ્યાં જ્યાં આવા પ્રકારના ચબૂતરા સ્થાપિત કરવામાં આવ્યા છે, ત્યાં તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી જરૂરી મરામત અને સંરક્ષણની કાર્યવાહી હાથ ધરવામાં આવે જેથી લોકો તેની મહત્વ સમજી શકે અને તેના પર પક્ષીઓ આશ્રાય મળવી શકે છે. આ પગલાં માત્ર પર્યાવરણ જાળવણી માટે જ નહીં, પરંતુ શહેરના સૌંદર્ય અને જનહિત માટે પણ મહત્વપૂર્ણ છે. તેમજ ચબૂતરા શહેરની ઓળખ છે અને તેની જ આ પ્રકારની દુર્દશા આગામી પેઢી જોઇ કે સમજી શકશે નહીં. આ માટે તાકીદે કામગીરી કરીને શહેરમાં આવેલા ચબૂતરાના જાળવણીની કામગીરી કરવી જોઇએ.

શું છે ચબૂતરા અને અને તેનું મહત્વ શું છે ?

શહેરમાં ખાસ કરીને તેના કોટ વિસ્તાર ની પોળોમાં, ચબૂતરા એ એક આગવી ઓળખ અને સાંસ્કૃતિક વારસાનો ભાગ છે. ચબૂતરો એ એક પંખીઘર અથવા પક્ષીઓને ચણ અને પાણી પૂરું પાડવા માટે બનાવેલું ઊંચું માળખું છે. આ ભારતીય સંસ્કૃતિમાં પંખીઓ પ્રત્યેની દયા અને સહઅસ્તિત્વની ભાવનાનું પ્રતીક છે. અમદાવાદમાં લગભગ 300 જેટલા ચબૂતરા આવેલા છે, જેમાંથી લગભગ 120 તો માત્ર જૂના કોટ વિસ્તારની પોળોમાં જ સ્થિત છે. આ ચબૂતરા મુખ્યત્વે પોળોના પ્રવેશદ્વાર પર અથવા પોળના મધ્યમાં આવેલા ચોક પર હોય છે, જ્યાં લોકો ભેગા થાય છે. વૃક્ષોની ઓછી સંખ્યાવાળા પોળ વિસ્તારમાં પક્ષીઓ માટે કુદરતી વાતાવરણ પૂરું પાડવું તેનો હેતું છે.

કેવી હોય છે તેની ડિઝાઈન અને તેના આકાર

સામાન્ય રીતે ચબૂતરા જમીનથી પાંચથી છ ફુટથી વધુ ઊંચાઈ પર એક થાંભલા (પિલર) પર બનાવવામાં આવે છે, જેથી કૂતરા અને અન્ય પ્રાણીઓથી પક્ષીઓ સુરક્ષિત રહે તેવી તેની વ્યવસ્થા રહેલી હોય છે. જેમાં ઉપરનો ભાગ સામાન્ય રીતે ચોરસ, ષટકોણ (ષટ્કોણીય), અષ્ટકોણ (અષ્ટકોણીય) અથવા પંચકોણ આકારનો હોય છે. તેની સાથે જ ઉપરના ભાગમાં છત્રી અથવા ઘૂમટ જેવી રચના હોય છે, જે પક્ષીઓને આશ્રાય આપે છે. તેમાં માળો બનાવવા માટે છિદ્રો પણ હોય છે. આ કોતરણીઓ ઘણીવાર હિંદુ સંસ્કૃતિના પ્રતીકો અને કલાત્મક કોતરણીથી સજાવેલ હોય છે, જેમાં મૂર્તિઓ, ઢીંગલીઓ, વગેરે જોવા મળે છે. મોટે ભાગે ચબૂતરા લાકડા, રેતીના પથ્થર અથવા કોંક્રિટમાંથી બનાવવામાં આવ્યા છે. જૂના ચબૂતરામાં લાકડાનો ઉપયોગ વધુ થતો હતો. આધુનિક સમયમાં તેને સિમેન્ટ ક્રોંક્રિટથી ચણતર કરીને બનાવવામાં આવે છે.


  • Follow us on: