અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં રિવરફ્રન્ટ રોડ પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) નજીક આવેલા મણિબેનની ચાલી અને ન્યૂ વર્ષા ફ્લેટ પાસે ગઈકાલે રાત્રે 9 વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે અને બેદરકારીથી દોડી રહેલી એક ફોર્ડ એન્ડેવર (Ford Endeavour) કારના ચાલકે રસ્તા પરથી પસાર થતી બાઇક સહિત અન્ય ટુ-વ્હીલર વાહનોને જોરદાર અડફેટે લીધા હતા, જેના કારણે રસ્તા પર અફરાતફરી મચી ગઈ હતી.

વાહનોને ટક્કર મારી કાર દીવાલ સાથે અથડાઈ

એન્ડેવર કારના ચાલકે કાબૂ ગુમાવતા એક પછી એક અનેક વાહનોને ટક્કર મારી હતી અને અંતે કાર એક દીવાલ સાથે ધડાકાભેર અથડાઈને અટકી હતી. આ ભયાનક અકસ્માતમાં બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. રાહદારીઓ અને સ્થાનિક લોકોની મદદથી ઘાયલ થયેલા ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત અંગે વિગતો મેળવવામાં આવી રહી છે.

ટ્રાફિક N ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ટ્રાફિક N ડિવિઝન પોલીસે અકસ્માત સર્જનાર ફોર્ડ એન્ડેવર કારના ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની સઘન તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને કારચાલક નશાની હાલતમાં હતો કે કેમ અને અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો