પાટીદાર અનામત આંદોલનના નેતા અને હાલના ધારાસભ્ય હાર્દિક ભરતભાઈ પટેલ સહિત અન્યો સામે વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન નિકોલ પોલીસ મથકે નોંધાયેલા કેસમાં અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટે આજે તહોમતનામું ફરમાવ્યુ છે, જેના પગલે હવે હાર્દિક પટેલ સહિત અન્યો સામે કેસની ટ્રાયલ 21મી નવેમ્બરથી શરૂ થશે. આ કેસમાં હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓ સામે ગેરકાયદે મંડળી, રાયોટિંગ, સરકારી કર્મચારી પર હુમલો, કાયદેસરના હુકમનો ભંગ, ધમકી આપવા અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં મુદતે અગાઉ આ કેસમાં હાજર ન રહેતાં કોર્ટે તેમની સામે ધરપકડ વોરંટ પણ જાહેર કર્યું હતું, જે બાદમાં હાઇકોર્ટમાંથી રદ કરાયું હતું.


આ કેસની વિગત એવી છે કે, વર્ષ 2018માં પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલ પોલીસ મથકે પાટીદાર નેતા અને વર્તમાનમાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક ભરતભાઇ પટેલ સામે કાવતરું રચવા, ગેરકાયદે મંડળી બનાવી, પોલીસ જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.આ મામલે પોલીસે તપાસ કરી ચાર્જશીટ કરી હતી. જેથી 7, સપ્ટેમ્બર, 2022થી આ કેસ ગ્રામ્ય કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો. જેમાં અમુક મુદત સુધી હાર્દિક હાજર રહ્યો હતો. પરંતુ ત્યારબાદ ઘણા સમયથી હાર્દિક કોર્ટમાં મુદતે હાજર રહ્યો નથી. આ કેસ 7 માર્ચ 2023થી ચાર્જફ્રેમ (તહોમતનામુ ફરમાવવું) માટે રાખવામાં આવ્યો છે. પરંતુ હાર્દિક પટેલ કોર્ટમાં હાજર ન રહેતા કેસમાં ચાર્જફ્રેમ થઇ શકતો નથી અને મુદત પર મુદતો પડી રહી છે. આ કેસમાં 26, ઓગસ્ટ, 2025ના રોજ મુદત હતી પરંતુ હાર્દિક વધુ એક વખત ગેરહાજર રહેતા કેસમાં વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું.

આ પછી ગુજરાત હાઈકોર્ટથી હાર્દિક પટેલ વોરન્ટ રદ કરી આવ્યા હતા. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં હાર્દિક પટેલ આજે હાજર રહેતા ખાસ સરકારી વકીલ તારાબા ચુડાસમા હાજર રહ્યા હતા અને કોર્ટે હાર્દિક પટેલ સામે ગેરકાયદે મંડળી, રાયોટિંગ, સરકારી કર્મચારી પર હુમલો, કાયદેસરના હુકમનો ભંગ, ધમકી આપવા અને અન્ય કલમો હેઠળ તહોમતનામું ઘડવામાં આવ્યુ હતુ. હવે હાર્દિક પટેલ સામે 21મીથી સાક્ષીઓની જુબાનીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


  • Follow us on: