મ્યુનિ. કોર્પોરેશન દ્વારા લાખો કરોડોના ખર્ચે તમામ ઝોન અને વોર્ડમાં કોમ્યુનિટી હોલ ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ તેની યોગ્ય રીતે જાળવણી કરવામાં ન આવતાં સ્થાનિકોની તેમના પ્રસંગમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. આ પ્રકારની સ્થિતિ બાપુનગરમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિરની બાજુમાં સ્થિત ઈન્દુલાલ યાજ્ઞિક હોલમાં જોવા મળી રહી છે. હજી થોડાં સમય પહેલાં જ હોલના નવીનીકરણ અને તેના રિપેરિંગ માટે સ્થાનિક કાઉન્સિલર અને ઝોનના કમિશનરને રજુઆત કરવામાં આવી હતી છતાં તેમાં કોઈ જ સુધારો થયો નથી અને તેની બિસ્માર સ્થિતિ સામે આવી છે. જેથી અનેક પ્રસંગો કરતાં લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે.
બાપુનગરના નાગરિકોના નાના મોટા ધાર્મિક સામાજિક પ્રસંગો માટે એક માત્ર કોમ્યુનિટીહોલ છે ત્યારે મધ્યમવર્ગના રહીશોના હિતમા હોલને તાત્કાલિક નવીનીકરણ કરવામાં આવે તેવી સ્થાનિકો લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
ઘણાં વર્ષથી હોલમાં જરૂરી મેન્ટેનન્સ કે રિપેરિંગ કરવામાં આવ્યું નથી : સ્થાનિકો
હાલમાં જ એક પ્રસંગ માટે ઈન્દુલાલ યાજ્ઞિક હોલને ભાડે લેનાર સ્થાનિકે જણાવ્યું કે, બાપુનગર વિસ્તારમાં આવેલો એક માત્ર મ્યુનિ. કોર્પોરેશનનો હોલ છે. પરંતુ છેલ્લા ઘણાં સમયથી તેની દયાનીય સ્થિતિ છે. આ અંગે રજુઆત કરતાં અધિકારીઓને ઘણી વાર કહેવામાં આવ્યું છે. છેલ્લા કેટલાય વરસોથી આ હોલમાં જરૂરી મેઇન્ટેઇનસ કે રિપેરિંગ થયેલ નથી. તેમજ હોલ ની અંદર સિંલિંગ તુટી ગયેલ છે. તો હોલની અંદરના કેટલાય પંખાઓ બંધ હાલતમાં રહેલા છે, જેના પરિણામે લોકોએ ગરમીમાં હેરાન થવું પડી રહ્યું છે. તેમજ શૌચાલયની પણ યોગ્ય વ્યસ્થાન નથી અને તેમાં પણ સિંલિંગ માંથી પાણી પડે છે. આ તરફ હોલ ના દરવાજાઓ તૂટી ગયા છે. આ ઉપરાંત રસોડાની પણ યોગ્ય રીતે સફાઈ કરવામાં આવી નથી. જેના કારણે પણ લોકોએ રસોડું રાખવા પહેલાં સફાઈ કરાવી પડે છે અને તેમ છતાં પણ ગંદકી પુષ્કળ હોવાના કારણે લોકોને હેરાન થવું પડે છે.