શહેરનો એક તરફ સ્વચ્છતામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે ત્યારે બીજી તરફ ઘણાં વિસ્તારોમાં ઠેર-ઠેર ગંદકી જોવા મળી રહી છે. તેમજ પૂર્વમાં નારોલથી નરોડા સુધીના વિસ્તારમાં મોટાં ભાગના વિસ્તારોમાં ઠેરઠેર ગટરો ઊભરાય છે. તેમજ દસ કરતા વધુ તળાવોમાં ગટરના ગંદા પાણી ભરાયેલા છે અને અસહ્ય ગંદકી જોવા મળે છે. મોટાં ભાગના કમ્યુનિટી હોલ તથા બગીચાઓમાં શૌચાલયો અને હોલમાં ગંદકી જોવા મળે છે. વરસાદ પછી કલાકો સુધી પાણીનો નિકોલ થતોના હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધેલ છે. જેમાં બાગેફિરદોસ વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશનના ગેટ પાસે મુખ્ય માર્ગ પાસે તંત્ર દ્વારા ઝાડની ડાળીઓ કાપીને નાખવામાં આવી છે, પરંતુ તેનો નિકાલ કરવામાં આવી રહ્યો નથી. જેના કારણે વિસ્તારમાં ગંદકી ફેલાઈ રહી છે.
આ અંગે ફરિયાદ કરતાં સ્થાનિકોએ જણાવ્યું કે, એક તરફ શહેરને સૌથી સ્વચ્છ હોવાનો ખિતાબ મળ્યો છે. બીજી તરફ કચરા ઉપાડવાની કામગીરીમાં સતત વિલંબ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા ઝાડ કાપવામાં આવ્યા પરંતુ તેના કચરાનો નિકાલ કરવામાં આવ્યો નથી. જેના કારણે રોજબરોજ કચરો વધી રહ્યો છે. એટલું જ નહીં ત્યાંથી પસાર થવામાં ખૂબજ દુર્ઘંધ આવી રહી છે. આ તરફ મ્યુનિ. કચેરી અને વોટર ડિસ્ટ્રિબ્યૂશનની ઓફિસની બહાર જ આ પ્રકારની ગંદકી પરથી પૂર્વના અન્ય વિસ્તારોની ગંદકીનો અંદાજ લગાવી શકાય છે. જ્યારે ગંદકી અને ઉભરાતી ગટર અંગે પૂર્વના સ્થાનિકોનો અભિપ્રાય લેવામાં આવે તો ઠેર-ઠેર ગંદકી જોવા મળી શકે છે. જેના કારણે પૂર્વમાં ચોક્કસ રીતે અધિકારીઓએ ધ્યાન આપીને સફાઈ કર્મીઓ પાસે યોગ્ય રીતે સફાઈ કરવા માટેની પણ સ્થાનિકોની માંગણી ઉઠી છે. તેમજ ઉપરી અધિકારીઓએ પણ સરપ્રાઈઝ વિઝિટ કરી જેતે સ્થળની મુલાકાત લઈને તેનો યોગ્ય ચિતાર મેળવવો જોઇએ.










