સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી એટલે કે 'રાષ્ટ્રીય એકતા દિવસ' ની ઉજવણી પૂર્વે સમગ્ર દેશમાં દેશભક્તિ અને સામાજિક જાગૃતિનો માહોલ સર્જાયો છે. આ અંતર્ગત અમદાવાદ શહેર પોલીસ દ્વારા 'નશામુક્ત ભારત' ના બુલંદ સંદેશ સાથે નીકળેલી એક અનોખી અને ભવ્ય રાષ્ટ્રીય બાઇક રેલીનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશના યુવાધનને નશાની લતથી દૂર રાખવા અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે આ રાષ્ટ્રવ્યાપી રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
દેશના 4 પ્રદેશના CAPF જવાનો સામેલ
આ રાષ્ટ્રીય બાઇક રેલીમાં દેશના 4 જુદા જુદા પ્રદેશોમાંથી આવેલા વિવિધ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) ના શૂરવીર જવાનો ઉત્સાહભેર જોડાયા છે. અમદાવાદ ખાતે આયોજિત ખાસ કાર્યક્રમ દરમિયાન રેલીના તમામ સહભાગીઓ અને ઉપસ્થિત અધિકારીઓએ 'સે નો ટુ ડ્રગ્સ' (Say No to Drugs) ની ગંભીર પ્રતિજ્ઞા લીધી હતી. જવાનોએ બાઇક રેલી થકી દેશના ખૂણે-ખૂણે સમાજમાં નશાબંધી અને સશક્ત ભારતનો સંદેશ પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
