અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા એક વિશેષ અને આક્રમક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. શહેરમાં અસામાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા ગુંડા તત્વોને ડામી દેવા માટે પોલીસ પૂરી રીતે એક્શન મોડમાં આવી ગઈ છે, જેનાથી ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
રાત્રે 12 થી 2 વાગ્યા સુધી 150 સંવેદનશીલ સ્થળો પર વિશેષ નાકાબંધી
પોલીસના પ્લાન અનુસાર, મોડી રાત્રે અસામાજિક તત્વોના ટોળાં એકત્ર થતા હોય તેવી અમદાવાદ શહેરભરમાંથી કુલ 150 જેટલી સંવેદનશીલ જગ્યાઓ ચિહ્નિત કરવામાં આવી છે. આ તમામ નક્કી કરાયેલી જગ્યાઓ પર દરરોજ રાત્રે 12 થી 2 વાગ્યા સુધી ચુસ્ત નાકાબંધી અને સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે, જેથી રાત્રિના સમયે અનિચ્છનીય બનાવો બનતા અટકાવી શકાય.
