એક તરફ કામગીરી માટે લોકોએ અવારનવાર સરકારી કચેરીના ધક્કા ખાવા પડી રહ્યો હોય છે ત્યારે ત્યાં જ પાવર પુરવઠો બંધ રહેતાં લોકોની હાડમારી વધી રહી છે. ઓઢવ ગામમાં સ્થિત નિકોલ સબ ઝોનલ કચેરીમાં લાઈટ બિલ ન ભરતાં વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હોવાની ફરિયાદ સામે આવી છે.


જેના કારણે ત્યાં પહોંચતા લોકોની કામગીરી ઠપ થઈ ગઈ છે. આ અંગે કોઈ ઉપરી અધિકારીઓ ધ્યાન ન આપતાં હોવાના કારણે હજી પણ ઘણાં દિવસ લાઈટ વગર રહેવું પડી શકે છે. સરકારી કચેરીમાં જ સમયસર લાઈટ બિલ ન ભરવામાં આવતાં લોકોમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે.રખિયાલમાં આવેલી નિકોલ સબ ઝોનલ કચેરી થોડાં સમયથી ઓઢવ ગામમાં નિકોલ રોડ પર સેમોલ માતાના મંદિરની સામે ટ્રાન્સફર કરવામાં આવી છે. જેમાં આસપાસના વિસ્તારના લોકોની પ્રાથમિક સમસ્યાઓનું અને તેમના આધારકાર્ડ અપડેટથી રેશન કાર્ડ અપડેટ કરવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે. આજે અચાનક જ ત્યાંનો વીજ પુરવઠો કાપી નાંખવામાં આવ્યો છે, જેના કારણે સબ ઝોનલ ઓફિસમાં આવતાં હજારોની સંખ્યામાં સ્થાનિકોની કામગીરી અટવાઈ ગઈ હતી. વીજ પુરવઠો બિલ ન ભરવાના કારણે કાપી નાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, જેના કારણે અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. જ્યારે બીજી તરફ કેટલાંક વરિષ્ઠ નાગરિકો દૂરથી રિક્ષાભાડાં ખર્ચીને અહીં સુધી પહોંચ્યા ત્યારે તેમનો ફેરો પણ માથે પડયો છે. તેમજ ઉપરી અધિકારીઓ દ્વારા ધ્યાન ન આપવામાં આવતાં હજી કેટલાં દિવસો સુધી લાઈટ બંધ રહેશે તે પણ એક સવાલ બની રહ્યો છે. આ કારણે વિસ્તારના મોટા ભાગના સ્થાનિકો મધ્યવર્ગના હોવાના કારણે તેમની કામગીરી પ્રભાવિત થઈ રહી છે. આ માટે તાકીદે કામગીરી કરવામાં આવે તેવી જ સ્થાનિકોની માંગણી છે.


  • Follow us on: