શહેરનો સૌથી ભરચક વિસ્તાર એવા ભદ્રકાળીના પરિસરથી ત્રણ દરવાજા સુધી દિવસ દરમિયાન રહેતાં પાથરણાંવાળાને આખરે હટાવી દેવામાં આવ્યા છે.


જેના કારણે રોડ પર ભારે ટ્રાફિકજામ રહેતું હતું અને લોકોને અવરજવર કરવામાં અને ભદ્રકાળી માતાના મંદિરે પહોંચવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. કુલ 844 જેટલા માન્યતા પ્રાપ્ત પાથરણા વાળાઓને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે AMC દ્વારા ઢાલગરવાડ વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટ અને પાનકોર નાકા નજીક પાર્કિંગના પ્લોટમાં જગ્યા ફાળવવામાં આવી છે. પરંતુ હજી સુધી પાથરણાંવાળાઓ પ્લોટમાં બેસવા તૈયાર ન થતા હવે બેનર મારીને જાહેરજનતાને પણ જાણ કરી દેવામાં આવી છે.

લાલ દરવાજા વિસ્તારમાં નગરદેવી ભદ્રકાળીનું મંદિર આવેલું છે ત્યાં જ ભદ્ર પરિસર વર્ષોથી નાના મોટા વેપાર માટેનું હબ બની ગયેલું છે. જેમાં વર્ષોથી સેવા અને સેલો એમ બે સંસ્થાના કુલ 844 ફેરિયાઓ ધંધો કરતા હતા. પરંતુ છેલ્લા ઘણાં સમયથી કાયદેસરના ફેરિયાઓની સાથે ગેરકાયદેસર રીતે પણ કેટલાક એરિયાઓ બેસી જતા હતા જેના કારણે આખું ભદ્ર પરિસર ફેરિયાઓથી ઉભરાઈ ગયું હતું અને ટ્રાફ્કિની સમસ્યા સર્જાતી હતી. લોકો ત્યાંથી વાહન લઈને નીકળી શકતા નહોતા એવી રીતે ફેરિયાઓએ ત્યાં ગેરકાયદેસર દબાણ કરી લીધું હતું. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જેથી દિવાળીના સમયથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાનકોર નાકા અને ઢાલગરવાડ ખાતે બે પ્લોટ ફાળવવામાં આવ્યા છે. પરંતુ હવે પાથરણાંવાળાઓ પ્લોટમાં બેસવા તૈયાર ન થતા હવે બેનર મારીને જાણ કરી દેવામાં આવી છે.

જાહેર જનતાને સૂચના અંગે બોર્ડ લગાવાયા છે : અધિકારી

મધ્ય ઝોનના ડેપ્યુટી કમિ. જણાવ્યું કે, એક પણ ફેરિયા વાળાને ભદ્ર મંદિર પરિસરમાં બેસવા દેવામાં આવશે નહીં. જેના ભદ્ર પરિસરમાં પાંચથી વધુ જગ્યાએ બોર્ડ મારી દેવામાં આવ્યા છે. ભદ્ર મંદિરથી લઈને ત્રણ દરવાજા સુધી એક પણ ફેરીયાવાળા બેસી શકશે નહીં તેમને ફળવેલી જગ્યામાં જ તેઓએ બેસવાનું રહેશે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા જે હુકમ આપવામાં આવ્યો હતો તેના ભાગરૂપે ભદ્ર પરિસરમાં બેસતા ફેરિયાઓને વૈકલ્પિક વ્યવસ્થા AMC દ્વારા કરવામાં આવી હતી. આ માટે જેમાં પાનકોર નાકા નજીક અને ઢાલગરવાડમાં એમ બે જગ્યાએ તેઓને પ્લોટ ફાળવવામાં આવ્યા છે જોકે બંને પ્લોટમાં બેસવા માટે ફેરીયાઓને સમજાવવામાં આવ્યા છે અને વારંવાર તેઓને સુચના પણ આપવામાં આવી છે, જે પછી આખરે જાહેર જનતા આ અંગે નોંધ લે તેના માટે બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.

કેટલી જગ્યા ફાળવવામાં આવી છે ?

AMC દ્વારા પાનકોર નાકા પાસે જે પ્લોટ ફાળવાયા છે તેમાં ફેરિયાઓને બેસવા માટે જગ્યા અપાઈછે જે 5 ચોરસ મીટરથી પણ મોટો છે. જ્યારે ઢાલગરવાળમાં 350 ચોરસ મીટર જેટલો પ્લોટ છે જેમાં ફેરીયાઓ બેસી અને પોતાનો ધંધો કરી શકે તેમ છે. પ્રતિ ફેરિયાને AMC દ્વારા 4.55 ફૂટની જગ્યા ફાળવાઈછે. આ બંને સ્થાનો પર ફેરિયાઓને એક મહિનાથી વધુ સમયથી પ્લોટ ફાળવી દેવામાં આવ્યા છે પરંતુ હજી સુધી ત્યાં કોઈ જ બેસવા માટે તૈયાર થયું નથી.

  • Follow us on: