અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટો બંધ રહેવાની નાગરિકોની ફરિયાદો સતત સામે આવી રહી છે. રસ્તાઓ પર અંધારપટ છવાઈ જવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બંધ સ્ટ્રીટલાઈટોના મુદ્દાને ગંભીરતાથી લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મટિરિયલ કમિટીના ચેરમેને તંત્રના જવાબદાર અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા કડક સૂચનાઓ આપી હતી.
ધાર્મિક તહેવારોમાં લાઈટો બંધ ન રહેવી જોઈએ: અધિકારીઓને તાકીદ
આગામી ધાર્મિક તહેવારોને ધ્યાનમાં રાખીને મટિરિયલ કમિટીના ચેરમેને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે તહેવારો દરમિયાન શહેરમાં ક્યાંય પણ લાઈટો બંધ હોવાની ફરિયાદ મળવી જોઈએ નહીં. તેમણે અધિકારીઓને ટાંકતા જણાવ્યું હતું કે, "કોઈ નાગરિક ફરિયાદ કરે અને પછી લાઈટો ચાલુ કરીએ એવું વલણ ચલાવી લેવાશે નહીં." ફરિયાદ આવ્યા વગર જ તમામ સ્ટ્રીટલાઈટો પૂર્વવત ચાલુ રહે તે માટે અગાઉથી જ જરૂરી વ્યવસ્થા ગોઠવી દેવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
