અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા મેટ્રો સ્ટેશનની બિલકુલ સામે એક અત્યંત કમકમાટીભર્યો માર્ગ અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે આવી રહેલી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ની બસે એક બાઈક સવારને જોરદાર ટક્કર મારીને અડફેટે લીધો હતો. ઘટના એટલી અચાનક અને ભયાનક હતી કે બાઈક સવારને સંભાળવાની તક પણ મળી ન હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના વિસ્તારમાં મોટો ધડાકો સંભળાયો હતો અને લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.
બાઈક સવારનું ઘટનાસ્થળે જ નિપજ્યું દર્દનાક મોત
AMTS બસની ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવાર રસ્તા પર પટકાયો હતો અને બસની ચપેટમાં આવી ગયો હતો. ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ અને કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. શહેરના ભરચક રસ્તા પર બનેલી આ દર્દનાક ઘટનાને કારણે સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા છવાઈ ગઈ હતી. બનાવ અંગે તુરંત જ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

