ખારીકટ કેનાલના નવીનીકરણની કામગીરી છેલ્લા ઘણાં સમયથી ચાલી રહી છે. ત્યારે વટવા નજીક ગેબનશાલ વિસ્તારમાંથી પસાર થતી કેનાલની એક દિવાલના ભાગ પાસે ગાબડા પડયા છે.


તેમજ કેનાલના સામે છેડા પર જ દિવાલ તૂટી ગઈ છે. જેના કારણે લોકોને તેમાં પડી જવાનો પણ ભય રહેલો છે. આ અંગે સ્થાનિકોએ અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કામગીરી કરવામાં ન આવી રહી હોવાની ફરિયાદ રહેલી છે. એક તરફ સુરક્ષિત કેનાલની દિવાલ બનાવવા માટે અધિકારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ દિવાલમાં ગાબડા પડવાની અને રોડ બેસી જવાના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. તેમજ કેનાલ જ્યાંથી તૂટી છે ત્યાં બેરિકેડ લગાવવા કે સાઈન બોર્ડ લગાવવા માટેની પણ તસ્દી તંત્ર દ્વારા લેવામાં આવી નથી. જેના પરિણામે મોટા અકસ્માતની પણ સંભાવના રહેલી છે.

હજી થોડાં દિવસ પહેલાં જ મણિનગરથી ગોરના કુવા કેનાલ પર જશોદાનગર પાસે દિવાલ બેસી જવાની ઘટના સામે આવી છે. ત્યારે હવે વટવાથી ગેબનશાહ વિસ્તારમાંથી પસાર થતી ખારીકટ કેનાલ પાસે લગભગ બે મહિનાથી જમીન બેસી ગઈ છે. જેમાં કેનાલના સામે જ દિવાલ તૂટી ગઈ છે. આ માટે સ્થાનિકોએ જણાવ્યું કે, છેલ્લા ઘણાં સમયથી કેનાલ તૂટી જવાની ફરિયાદ કરી છે. જેમાં વારંવાર કચરો જમા થઈ રહ્યો છે અને તે ઘણી વખત દેખાતો નથી અને લોકોને ત્યાંથી પસાર થવામાં પણ ભય રહેલો છે. જ્યારે બીજી તરફ કેનાલના સામેના ભાગમાં દિવાલનો ભાગ પણ તૂટી ગયો છે. ચોમાસાની ઋતુ પૂર્ણ થઈ ગઈ તેમ છતાં કેનાલની દિવાલ બનાવવા માટે કોઈ પણ અધિકારીઓ દ્વારા ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. આ કારણે રાત્રિના સમયે અંધારામાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના થવાનો પણ ભય રહેલો છે. જેથી કામગીરી તાકીદે કરવામાં આવે તેવી જ રજુઆત રહેલી છે.


  • Follow us on: