અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન હદંતર્ગત આવતા સૈજપુર બોઘામાંથી કાયદો અને વ્યવસ્થાને શરમમાં મૂકે તેવી એક ક્રૂર ઘટના સામે આવી છે. 36 વર્ષીય સિક્યોરિટી ગાર્ડ કપિલભાઈ લુટે પર જૂની અદાવતની દાઝ રાખીને હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓ દ્વારા સમાધાન કરવાના બહાને બોલાવી રાહુલ લુહાર સહિતના શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. લોકોના ટોળાએ ભેગા મળીને યુવકને ગડદાપાટુનો માર માર્યો હતો તેમજ પટ્ટા વડે રસ્તા પર દોડાવી-દોડાવીને ફટકાર્યો હતો.
ભય ફેલાવવા વીડિયો વાયરલ કર્યો અને છેડતીની અફવા ફેલાવી
આ કૃત્ય આચરતી વખતે આરોપીઓ દ્વારા સમગ્ર હુમલાનો વીડિયો મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો કે રાહદારીઓ વચ્ચે બચાવવા માટે ન આવે અથવા ભોગ બનનારની મદદ ન કરે તે માટે આરોપીઓએ જાહેરમાં એવી ખોટી અફવા પણ ફેલાવી હતી કે યુવકે કોઈની છેડતી કરી છે. આટલું જ નહીં, જો આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવશે તો જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપીને હુમલાખોરો નાસી છૂટ્યા હતા અને બાદમાં આ બદઈરાદાવાળો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.
