ખોખરા ઓવરબ્રિજથી અનુપમ સિનેમા અને ત્યાંથી રખિયાલ તરફ જતો માર્ગ વરસાદના કારણે એકતરફ બેસી ગયો હોવાથી વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહી છે. વન વે માર્ગ બની ગયો હોવાથી આખો દિવસ ટ્રાફિકજામ રહે છે. બીજી તરફ હાટકેશ્વર તરફ જતો માર્ગ પણ ઠેકઠેકાણે ખોદકામ અને રોડ તૂટી જવાના કારણે બિસ્માર હાલતમાં મૂકાયો છે. હાટકેશ્વર બ્રિજ બંધ હોવાથી તેના સાંકળા સર્વિસ રોડ પરથી હાલ અત્યંત ધીમીગતિએ વાહનવ્યવહાર થઇ રહ્યો છે.


ત્યાં પણ તૂટેલા રોડ, ખાડા, ભૂવા પડેલા હોવાથી વાહનચાલકો પટકાઇ રહ્યા છે. ટ્રાફિકની લાંબી લાઇનો લાગી રહી છે. ખોખરા પાસેનો યુટર્ન સાંકળો હોવાથી અકસ્માતના બનાવો બની રહ્યા છે. ખાસ કરીને જ્યારે એસ.ટી. બસ, એએમટીએસ બસ કે ભારે વાહનો યુટર્ન લેતા હોય છે ત્યારે તે જોખમી બની રહે છે. તે સમયે ટુ વ્હિલર, થ્રી અને ફોર વ્હિલર ચાલકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર પડે છે. નોંધપાત્ર છેકે ખોખરા એપરલપાર્ક પાસે તાજેતરમાં જ એસટી બસની ટક્કરે રાહદારીનું મોત પણ થયું હતું.

યુદ્ધના ધોરણે રોડની મરામત કરવી, જોખમી યુટર્ન બિનજોખમી બને તે માટે દબાણો હટાવવા, યોગ્ય ડાયવર્ઝન આપવું જોઇએ તેવી માંગણી રહીશો કરી રહ્યા છે.


  • Follow us on: