અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા અને અત્યંત પોશ ગણાતા શીલજ પંથકમાં આજે સવારે એક મોટી દુર્ઘટના ટળી છે. શીલજ સર્કલ પાસે આવેલા મુખ્ય આર્યમાન બંગલો રોડ પર અચાનક જમીન ધસી જવાની ઘટના સામે આવતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે ગભરાટ અને ભયનો માહોલ ફેલાઈ ગયો છે. આસપાસ ચાલી રહેલા કોઈ પ્રોજેક્ટના ખોદકામના કારણે આ આખી ઘટના બની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે.
મોટા પાયે ખોદકામ કરવામાં આવ્યું હતું
પ્રાપ્ત વિગતો અનુસાર, શીલજ સર્કલથી આર્યમાન બંગલો તરફ જતા મુખ્ય માર્ગની સાઈડમાં મોટા પાયે ખોદકામ કરવામાં આવ્યું હતું. વરસાદી માહોલ અને આ આડેધડ ખોદકામના કારણે રોડની સાઈડની માટી અંદરથી સરકી ગઈ હતી, જેના લીધે આખો રસ્તો અને તેની આસપાસની જમીન અચાનક જ મોટા ભુવા સ્વરૂપે બેસી ગઈ હતી. સદનસીબે જ્યારે આ જમીન ધસી પડી ત્યારે ત્યાંથી કોઈ વાહન પસાર થઈ રહ્યું નહોતું, નહિતર કોઈ મોટો અકસ્માત સર્જાઈ શકત અને જાનહાની થઈ શકી હોત.
