કૃષ્ણનગરમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીના ઘરમાંથી તસ્કરો કુલ રૂ. 13.53 લાખની મત્તા ચોરી ફરાર થઇ ગયા છે. જેમાં પરિવાર ઘરમાં સૂતો રહ્યો અને તસ્કરો 13.53 લાખની મત્તા ચોરી પલાયન થઇ ગયા હોવાનું સામે આવ્યું છે. આ અંગે કૃષ્ણનગર પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોધીને સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.
કૃષ્ણનગર વિસ્તારમાં 23 વર્ષિય નિકુલસિંહ રામસિંહ દેવલ પરિવાર સાથે રહે છે અને નિકોલ ખાતે કપડાંની દુકાન ધરાવી વેપાર કરે છે. નિકુલના પિતા ક્રાઇમ બ્રાન્ચમાં નોકરી કરે છે. હાલ દિવાળીનો તહેવાર હોવાથી નિકુલને દુકાને આવવા જવાનો કોઇ સમય નક્કી હોતો નથી. ગત 18 ઓક્ટોમ્બરે મોડી રાત્રે નિકુલસિંહ પોતાની દુકાને કપડાંનો સામાન મુકવા માટે ગયો હતો. ત્યારે તેના માતા-પિતા મકાનના ઉપરના માળે જ્યારે ભાઇ ભાભી નીચે રૂમમાં સુતા હતા. નિકુલસિંહ દરવાજે લોક મારી દુકાને ગયો હતો સવારે ચાર વાગ્યે નિકુલસિહ દુકાનેથી પરત ર્ફ્યો હતો. ત્યારે ઘરના કંપાઉન્ડનો ઝાંપો ખુલ્લો હતો. જેથી તે તાત્કાલીક ઘરમાં ગયો હતો. ત્યારે રસોડાની પાછળનો દરવાજો તથા જાળી ખુલ્લી હાલતમાં હતી. પછી નિકુલસિંહ અંદર ગયો હતો અને લાઇટ ચાલુ કરી રૂમમાં રહેલી તિજોરી જોતા તે ખુલ્લી હાલતમાં હતી, કબાટ તથા મંદિરનું ડ્રોઅવર પણ ખુલ્લું હતું. જેથી તેણે માતા પિતાને ઉઠડયા હતા અને ઘરમાં તપાસ કરતા સરસામાન વિખરાયેલ હતો. ત્યારબાદ જુદી જુદી જગ્યાએ રાખેલ સોના, ચાંદી, રોકડ રકમ ગુમ હતુ. ઘરમાંથી 2 લાખ રોકડ અને સોનુ ચાંદી મળી કુલ રૂ. 13.53 લાખની મત્તા ગુમ હતી. આ અંગે નિકુલસિંહે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.










